અમરેલીના પાણીયા ગામે સિંહનાં હુમલામાં ૭ વર્ષનાં બાળકનું મોત

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દિપડા જેવા પ્રાણીઓ દ્વારા હુમલાનો વધુ એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે જેમાં, અમરેલીના પાણીયા ગામે ઈંટો પાડતા ખેત મજૂરનાં ૭ વર્ષનાં બાળક પર સિંહે હુમલો કર્યો હતો. બાળકનાં અવશેષ મળી આવતા ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાતા વિભાગ દ્વારા માનવભક્ષી સિંહને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી જેમાં ૨ કલાકની ભારે જહેમત બાદ નરભક્ષી સિંહ પાંજરે પુરાયો હતો. સિંહ પાંજરે પૂરાતા વનવિભાગની ટીમ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ મામલે મળતી માહિતી અનુસાર, અમરેલીનાં પાણીયા ગામે પરપ્રાંતીય ખેત મજૂરનાં ૭ વર્ષીય બાળક રાહુલ નારુંભાઈ બારીયા પર સિંહે હિંચકારો હુમલો કર્યો હતો. ગુમ થયેલ બાળકને શોધતા તેનાં અવશેષો મળી આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી જેના પગલે વનવિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે ટીમ સાથે વેટરનરી ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગ દ્વારા માનવભક્ષી સિંહને પકડી પાડવા માટે સમગ્ર વિસ્તારનું સ્કેન કરવામાં આવ્યું હતું. ૨ કલાકની મહેનત બાદ નરભક્ષી સિંહ પાંજરે પૂરાયો હતો. નરભક્ષી સિંહ પકડાઈ જતાં વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. માહિતી અનુસાર, માનવભક્ષી સિંહને પકડી લીલીયાનાં ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. શેત્રુજી ડીવીઝનનાં ડીસીએફ જયંત પટેલે મીડિયાને આ માહિતી આપી હતી.
Recent Comments