રાષ્ટ્રીય

ફરી એકવાર આવી શકે છે વાતાવરણમાં પલટો

ઉત્તર પશ્ચિમથી લઇને પૂર્વોત્તરના હિમાલયી રાજ્યોના ઊંચા શિખરો પર વરસાદ, હિમવર્ષા થતાં ઠંડીમાં વધારો જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાંચલના અનેક સ્થાનો પર ફરી એકવાર વાતાવરણ માં પલટો આવ્યો છે, ઠંડીમાં અચાનક વધારો નોંધાયો હતો. જાે કે બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. હવામાન ખાતાએ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની આગાહી કરી છે. ભારતીય હવામાન ખાતાના શ્રીનગર કેન્દ્ર અનુસાર શનિવારે શ્રીનગરમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું. તેની સાથે ફરી એકવાર ઠંડીનું પુનરાગમન થયું છે. મહત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાશ્મીર ખીણના મોટાભાગના શહેરોમાં આ પ્રકારનું તાપમાન નોંધાયું હતું. જાે કે કડકડતી ઠંડી હોવા છતાં પણ શ્રીનગરના ડાલ લેકમાં લોકોને નૌકાયાનની મજા લેતાં જાેવાયા હતાં.

આવનાર દિવસો માટે આગાહી કરતાં સમયે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, ૧૭ ફેબ્રુઆરીએ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે. તેની અસરથી ૧૭-૨૧ ફેબ્રુઆરીની વચ્ચે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ તથા હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક સ્થાનો પર હિમવર્ષા પણ થઇ શકે છે. ૧૯ અને ૨૦ ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ઊંચાણ ધરાવતાં વિસ્તારોમાં વરસાદ તથા હિમવર્ષાની સંભાવના છે. આ દરમિયાન પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે તેમ જણાવાયું હતું.

Follow Me:

Related Posts