fbpx
ગુજરાત

પી ટી જાડેજા વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

ક્ષત્રિય સમાજના અગ્રણી અને લોકસભા સમયે શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનનો ચહેરો એવા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પી ટી જાડેજા વિરુદ્ધ મનીલોન્ડિંગ એક્ટ અંતર્ગત વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં સુરેશ પરમાર નામના કારખાનેદારે પી ટી જાડેજા પાસેથી ૬૦ લાખ રૂપિયા ૩ ટકા વ્યાજે લીધા હતા. કારખાનામાં રૂપિયાની જરૂર હોવાને કારણે સુરેશ પરમારે તેના મિત્રનો સંપર્ક કર્યો હતો અને ૬૦ લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા. સુરેશ પરમારે વ્યાજના રૂપિયાના જામીન પેટે તેના મકાનનો દસ્તાવેજ અને ૫ લાખના સાત ચેક આપ્યા હતા.

સુરેશભાઇના દાવા પ્રમાણે તેઓએ વ્યાજે રૂપિયા લીધા હતા તેઓ નિયમીત વ્યાજ ભરતા હતા પરંતુ અંતે વ્યાજની રકમ ભરપાઇ ન કરી શકવાને કારણે તેઓએ રૂપિયા ભરપાઇ કરવાની તૈયારી દર્શાવી. સુરેશભાઇએ પી ટી જાડેજાને કુલ ૭૦ લાખ ૮૦ હજાર રૂપિયા આપી દીધા હોવા છતા તેમણે રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી. એટલું જ નહિ જ્યાં સુધી રૂપિયા ન આપે ત્યાં સુધી મકાનનો દસ્તાવેજ અને ચેક પર પરત આપવાની ના પાડી હતી. જાે સુરેશભાઇ પી ટી જાડેજા પાસે દસ્તાવેજની માંગણી કરે તો ગાળો આપીને જીંદગી બગાડી નાખવાની ધમકી આપી હતી. પી ટી જાડેજાથી ત્રસ્ત સુરેશ પરમારે પોલીસને જાણ કરી હતી આ અંગે રાજકોટ પશ્વિમ ઝોનના ડીસીપી જગદિશ બાંગરવાએ કહ્યું હતુ કે પોલીસે સુરેશ પરમારની ફરિયાદના આધારે આઇપીસી કલમ ૩૮૪,૫૦૪,૫૦૬ તથા મનીલોન્ડિંગ એક્ટ કલમ ૪૦, ૪૨ અંતર્ગત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પી ટી જાડેજા પાસે નાણા ધીરધાર અંગેનું કોઇ લાયસન્સ નથી. જે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર પી ટી જાડેજાની શોધખોળ શરૂ કરી છે.

Follow Me:

Related Posts