સુરતમાં જિલ્લામાં કીમ પાસેની દરગાહમાં માનસિક દર્દીઓ માટે મોતનો પૈગામ
ભરૂચ જિલ્લાના કલાદરા ગામની બંને મહિલા નિર્દોષ હોવાનું ખુલ્યું ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહિલા જેલીબેનને દરગાહમાં હાજરી આવતા પરિવારની બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મુકતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૫૮ મો સફળ પર્દાફાશ કર્યો હતો. જેલીબેન ભગુભાઈ આહિરે ભુલ કબુલી, માફી માંગતા મામલો થાળે પડયો હતો. કીમ પાસેની દરગાહ સંબંધી જાથાને ચોંકાવનારી માહિતી મળી હતી. માનસિક દર્દીઓ મોતને પૈગામ આપવાને તિલાંજલિ આપી મેડિકલ સારવાર લેવા સંબંધી પીડિતોને સલાહ આપી હતી. બનાવની વિગત પ્રમાણે ભરૂચના કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઈએ પોતાની આપવિતીમાં માહિતી આપી કે અમારા કુટુંબીજન જેલીબેન ભગુભાઈ પરિવાર અવારનવાર કીમ પાસેની દરગાહમાં ગુરૂવાર ભરવા જાય છે, ત્યાં તેમને હાજરી સવારી આવતા મારી મમ્મી જશુબેન ઉર્ફે જશીબેનનું નામ ડાકણ જાહેર કરી દેવીબેન બંને મેલીવિદ્યા જાણે છે. રાત્રિના બંને બિલાડી, ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન, અશાંતિ કરે છે.
ઘરમાં અજુગતુ બને તેમ છે. કોઈકનો જીવ જાય તે પહેલા સત્યનું ઉજાગર કરવા અને મારી મમ્મી સહિત મહિલા નિર્દોષ છે, કંઈપણ જાણતા નથી. મેલીવિદ્યા શું કહેવાય તે ખબર નથી. ઈર્ષા, દ્વેષ અને સમાજમાં બહિષ્કૃત કરવા અમારું નામ જાહેર કરેલ છે. ગામમાં નીકળવું ભારે થઈ ગયું છે. દરગાહમાં અનેક મહિલા – પુરૂષો દર ગુરૂવારે હજારો સંખ્યામાં આવે છે, ત્યાં બિમાર લોકો ઉપચાર કરવા આવે છે. સારુ થાય છે કે નહિ તે ખબર નથી. ડાકણનો આરોપમાંથી છુટકારો મેળવવા જાથાની મદદ માંગી હતી. અમારા સમાજમાં આ ગંભીર આરોપ કહેવાય તેમાંથી મુકિત માટેની વાત કરી હતી. જાથાના જયંત પંડયાએ સુરત કીમ પાસેની દરગાહમાં ખરાઈ કરવા માટે ભાનુબેન ગોહિલ અને રવિ પરબતાણીને મોકલતા તેમણે આ દરગાહ આસ્થાનું કેન્દ્ર છે
ત્યાં મેલીવિદ્યા, ખવીસ, મામો, જીન્નાત વિગેરેથી પીડિત લોકો છુટકારો માટે આવે છે. દર ગુરૂવારે બપોર પછી અસંખ્ય લોકોને હાજરી-સવારી આવે છે, જેમાં હિન્દુઓની સંખ્યા વધુ છે. દરગાહની બહાર અત્તર, ગુલાબ જળ, પાણી, તાવિજ, ફુલ, રૂમાલ, લોબાન, ચાદર વિગેરેનું ધૂમ વેચાણ થાય છે. શ્રદ્ધાળુઓ ખરીદે છે. બાળકો-મહિલાઓ પણ સારવાર માટે આવે છે. અમુક વિચિત્ર રીતે ધૂણે છે. સવારી આવે છે. સારુ થાય છે કે નહિ તે ખબર નથી. ત્યાં દરગાહના કાજી એમ બોલે છે અમે દાદા-પીરની સેવાપૂજા કરીએ છીએ, અમોને પીર કે દાદા આવતા નથી. તમોને કેમ આવે છે ? અમુકને ખોટા છો તેવું પણ બોલે છે. પીડિતોની દયનીય હાલત છે. સવારીમાં ખોટું નામ આપે તે દરગાહવાળાને ખબર હોતી નથી. જેલીબેન ખૂબ જ ધૂણે છે, થાકતા નથી. હાજરીમાં બેસુમાર બોલે છે.
પોતાના ગામના લોકોનું નામ લઈ અપશબ્દો બોલે છે. જશુબેન અને દેવીબેનનું ડાકણનું નામ બોલ્યા છે જે હકિકત છે. જેલીબેન હેરાન કરવા જ ખોટું નામ બોલ્યા છે તેવી સઘળી વિગત મળતા પર્દાફાશ કરવાનું નક્કી થયું. જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ ડાકણનો આરોપ મુકનારનો પર્દાફાશ કરવા ગાંધીનગર મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારી, સુરત રૂરલ જિલ્લા પોલીસ વડાને પત્ર મોકલી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી. રૂરલ એસ.પી. એ કોસંબા પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલી દીધી. સફળતાની શરૂઆત થઈ ગઈ હતી.રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ રોમિતભાઈ રાજદેવ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઈ, અંકલેશ ગોહિલ, ભાનુબેન ગોહિલ, ગોપાલભાઈ ભરવાડ સહિત કાર્યકરો રવાના થયા. તપાસ બે ભાગમાં વહેંચી વિશેષ પુરાવા એકઠા કરવાનું નક્કી થયું. સ્થાનિક કાર્યકરોને કોસંબા પો. સ્ટેશને પહોંચી જવાનું નક્કી થયું. જાથાના જયંત પંડયા સૌ પ્રથમ પો.ઈન્સ. કે. એમ. સ્વામીને રૂબરૂ મળી ડાકણનો આરોપ મુકવો કાનુની અપરાધ છે તે સંબંધી વાત કરી હતી.
તેમણે પાલોદ પો. ચોકીના પી.એસ.આઈ. આર. એમ. કોટવાલ, એ.એસ.આઈ. મહેશભાઈ બાબુભાઈ, પો.કોન્સ્ટે. જગદીશભાઈ ગોવિંદભાઈ, મહિલા કોન્સ્ટે. તેજલબેન મીઠારામ સહિત સ્ટાફની ફાળવણી કરી દીધી. ક્રીમ પો. સ્ટેશનના પો.ઈન્સ. પી. એસ. જાડેજાની પણ મદદ મળી હતી.જાથાની ટીમના સદસ્યો દરગાહમાં હાજર હોય, જેલીબેન ઉપર દેખરેખ રાખતા હતા. દરગાહની બહાર આવતાની સાથે કલાદરા ગામના બંને આહિર પરિવારો ભેગા થઈ ગયા. જેલીબેન બહાર આવતાની સાથે પરિસ્થિતિનો તાગ મળી જતા ધૂણવા લાગ્યા, ઠેકડા મારવા લાગ્યા, હાથમાં રહે નહિં તેવી કુદાકુદ કરી. મહિલા પોલીસ તેમજ જાથાની મહિલા સદસ્યએ પકડીને ગાડીમાં માંડ માંડ બેસાડયા, ત્યાં પણ ધૂણવાનું ચાલુ રાખ્યું. ખોટી ધૂણતી હોય કડક શબ્દોમાં વાત કરતાં શાંત પડી ગઈ.
તેમના પરિવારોને પાલોદ પો. ચોકીએ પહોંચી જવાનું જણાવ્યું. જાથાના જયંત પંડયાએ બધા વચ્ચે પરિચય આપી ડાકણનો આરોપની સાબિતી માંગી, ગુન્હા સંબંધી વાત કરી. જેલીબેનના પતિ, દિકરો સંજય માફી માગવા લાગ્યા. જેલીબેન ખોટું બોલ્યા છે, પોતે કબુલી લીધું કે મેં ઈર્ષા અને દ્વેષને કારણે ખોટું નામ લીધું છે. મને કોઈ હાજરી, સવારી આવતી નથી. કબુલાત આપી દીધી. પોલીસે કાયદાની ભાષામાં વાત કરી. આરોપ કરનારા ભાંગી પડયા. બધાએ કબુલાતનામું આપી સહી કરી એકવાર માફી આપવા આજીજી કરી. ડાકણને આરોપ મુકનારે બંને મહિલા જશુબેન અને દેવીબેન નિર્દોષ છે, તેની તેના પરિવારની માફી માંગી લીધી. મામલો થાળે પડયો. તે સંબંધી લખાણ કરવામાં આવ્યું. પરસ્પર તકરાર ન કરવા બંને પક્ષો સહમત થયા. જાથાના જયંત પંડયાએ દરગાહ સંબંધી માહિતીમાં દરગાહમાં ૭૦ ટકા હિન્દુઓ શ્રધ્ધાના કારણે આવે છે ત્યાં ૫ થી ૭ વર્ષની બાળકી ધૂણતી આળોટતી હતી.
મહિલાઓ વાળ છુટ્ટા રાખી ધૂણતી હતી. પ્રથમ દર્શનીય માનસિક દર્દીઓ હોય તેવું લાગતું હતું. દરગાહના સંચાલકોએ મનોચિકિત્સક ડોકટરોનો કેમ્પ રાખવો જાેઈએ. દર્દી વધુ પીડાય જવાબદારી કોની ? હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ કે કોઈપણ ધર્મસ્થાન હોય તેમાં માનસિક દર્દીને અવૈજ્ઞાનિક ઉપચાર આપવો તે માનવ જીંદગી સાથે ખિલવાડ છે. આ પ્રકારની હરકતોથી દર્દીને અસહ્ય પીડા થાય ઉપરાંત રોગમાં વધારો થાય તેની શક્યતા વધુ છે તેથી વિચારવું જાેઈએ. દરગાહની બહાર ધાર્મિક વસ્તુઓનો વેપલો જાેવા મળ્યો. દરગાહની અંદર ખરીદેલું તાવીજ બાંધવાના રૂા. ૫૦/- લેવામાં આવે છે. મોરપીંછ ફેરવવા માટે વ્યવસ્થા, ચાદર, મંત્રેલું પાણીમાં ભસ્મ, ગુલાબ વિગેરે મિશ્રિત હતું. જે પ્રદુષિત કહી શકાય. તેનાથી કદીપણ દર્દી સાજાે ન થાય તે હકિકત છે. લોકોએ સ્વયં જાગૃતિ કેળવવી જાેઈએ.
દરગાહમાં જે દ્રશ્યો જાેવા મળ્યા તેનાથી કઈ સદીમાં જીવીએ છીએ તેનો અંદાજ થાય. હાજરી-સવારી આવવાથી ખોટા નામ જાહેર થાય તે સંબંધી વિચાર માંગી લે છે. નિર્દોષનો ભોગ લેવાય નહિ તે સંબંધી પગલા ભરવા જરૂરી છે. ભરૂચ જિલ્લાના કલાદરા ગામના બંને આહિર પરિવારો વચ્ચે મનદુઃખ દૂર થાય તે માટે પોલીસ તંત્રે પુરતો સહયોગ આપ્યો હતો. બંને મહિલા જશુબેન ઉમેદભાઈ અને દેવીબેન ઠાકોરભાઈ નિર્દોષ હોવાનું ખુલતા જેલીબેન ભગુભાઈને નીચાજાેણું થયું હતું. સંજય ભગુભાઈએ મૌન રહી માતાને નારાજગી વ્યકત કરી હતી. જાથાનો ૧૨૫૮ મો પર્દાફાશ સફળ રહ્યો હતો. જાથાના રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઈ, ગોપાલભાઈ ભરવાડ, ભાનુબેન ગોહિલે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. જિલ્લા પોલીસ વડા હિતેષ જાેયસર, એલ.આઈ.બી. ઈન્ચાર્જ પો.ઈન્સ. ગઢવી, કોસંબા પો.ઈન્સ. કે. એમ. સ્વામી, પી.એસ.આઈ. આર. એમ. કોટવાલ, એ.એસ.આઈ. મહેશભાઈ બાબુભાઈ, પો.કોન્સ્ટે. જગદીશભાઈ ગોવિંદભાઈ, મહિલા પો.કર્મી તેજલબેન મીઠારામ, કીમના પો.ઈન્સ. પી.એસ. જાડેજાએ પર્દાફાશમાં મદદરૂપ થયા હતા.
Recent Comments