અમરેલી

અમરેલીની ઝૂંપડપટ્ટીમાંથી ઉડાન ભરતું એક સ્વપ્ન – પૂજાની પ્રેરણાદાયી કહાની

અમરેલી:  અમરેલીની ઝૂંપડપટ્ટીમાં રહેતી પૂજા નામની દિકરી આજે સમાજ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. મર્યાદિત પરિસ્થિતિઓ હોવા છતાં, પૂજા આકાશને આંબવાનું અને પાયલોટ બનવાનું સ્વપ્ન જોઈ રહી છે.

રહેવા માટે ચાર દિવાલ વાળું મકાન કે માથે પાકી છત નથી છતાં અમરેલીની આ વિદ્યાર્થીની નું સ્વપ્ન પાયલોટ બની અને આકાશમાં ઉડવાનું છે. મર્યાદિત સંસાધનો વચ્ચે સરકારી અંગ્રેજી માધ્યમ શાળામાં ભણતી આ વિદ્યાર્થીની અંગ્રેજીમાં વાત કરે છે.

પૂજા સરકારી અંગ્રેજી માધ્યમ શાળામાં અભ્યાસ કરે છે અને રોજ “સ્કૂલ ઓન વ્હીલ્સ” બસ મારફતે શિક્ષણ મેળવવા માટે આવે છે. આ પહેલ શિક્ષણને બાળકો સુધી પહોંચાડવાની અનોખી દિશા આપી રહી છે.

Shiksha Foundation દ્વારા ચલાવવામાં આવતા ShikshaStories અભિયાન અંતર્ગત, શિક્ષણપ્રેમી કેવલ મહેતાએ આ બાળકો સાથે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકોને આનંદમય રીતે ભણાવવામાં આવ્યા તેમજ સરસ્વતી વંદના દ્વારા શિક્ષણ અને સ્વપ્નોના મહત્વને સમજાવવામાં આવ્યું.

કાર્યક્રમમાં દરેક બાળકને પોતાના સ્વપ્નો લખવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તે સ્વપ્નોને માતા સરસ્વતીના ચરણોમાં અર્પણ કરાવવામાં આવ્યા – જે એક અનોખો અને સ્પર્શક અનુભવ રહ્યો.

આ દરમિયાન પૂજા દ્વારા અંગ્રેજીમાં આત્મવિશ્વાસપૂર્વક પોતાનો પરિચય આપવામાં આવ્યો અને પાયલોટ બનવાના તેના સ્વપ્ને હાજર તમામને ભાવવિભોર કરી દીધા.

સામાન્ય માન્યતા મુજબ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ માત્ર સમૃદ્ધ વર્ગના બાળકો સુધી સીમિત માનવામાં આવે છે, પરંતુ પૂજા જેવી દિકરીઓ આ વિચારધારાને પડકાર આપી રહી છે અને સાબિત કરી રહી છે કે સપનાઓ માટે પરિસ્થિતિઓ નહીં, પરંતુ દૃઢ સંકલ્પ જરૂરી છે.

ShikshaStories અભિયાન દ્વારા આવી પ્રેરણાદાયી વાર્તાઓને વ્યાપક સ્તરે પહોંચાડવામાં આવી રહી છે, જેના કારણે રાજ્ય સરકાર સહિત વિવિધ સ્તરે આ પહેલની નોંધ લેવામાં આવી છે.

પૂજા જેવી દિકરીઓ સમાજને માત્ર પ્રેરણા જ નથી આપતી,

પણ એક નવી દિશા પણ દર્શાવે છે.

Related Posts