રાત્રી સમયે પાણીમાં પલાળેલું અંજીર સવારે ખાવાથી શરીરનું સ્વાસ્થ્ય ઘોડા જેવું રહે છે! આ સત્ય હકીકત છે. અંજીર એન્ટીઓક્સિડેન્ટ, ફાઈબર, ઝીંક, આયર્ન અને મેંગેનીઝ જેવા અનેક પોષકતત્વોથી ભરપૂર છે. નિયમિત ધોરણે અંજીરનું સેવન હ્રદયને સ્વસ્થ રાખે છે, હાડકાં મજબૂત બનાવે છે, બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરે, પ્રજનન ક્ષમતા વધારે છે.
અમરેલીના મોટા આંકડીયાના ખેડૂતશ્રી દિનેશભાઈ સવસૈયા અને તેમના ધર્મપત્નીશ્રી વિલાસબેન સજોડે પોતાની ૪ એકર જમીનમાં પરંપરાગત રીતે વિવિધ રોકડિયા પાકની પરંપરાગત રીતે ખેતી કરતા હતા. પછી પ્રાકૃતિક કૃષિનો વિચાર આવતા બાગાયતી પાક અંજીરની ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું.
અંજીરની પ્રાકૃતિક ઢબે સફળ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતશ્રી દિનેશભાઈ સવસૈયાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦માં મેં મલેશીયન જાતના જી.એચ.જી ૧૨૦, હની ટેસ્ટ મલેશીયન ફીગ વેરાયટીના અંજીરના ૩,૪૦૦ ટીસ્યુ પ્લાન્ટનું વાવેતર કર્યું હતું. આજે અમે અંજીરનો પાક ઉગાડીને તેનું સંપૂર્ણ પ્રોસેસીંગ ઘરે કરીએ છીએ અને અંજીરના પલ્પમાંથી અંજીર હની જામ, ચટણી, ડ્રાયફ્રૂટ મીઠાઇ સહિત ૨૮ પ્રકારની ખાદ્ય ચીજ-વસ્તુઓ બનાવીને તેનું હોલસેલ-રિટેલ વેચાણ કરીએ છીએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ખેડૂતોએ હવે પોતાના ઉત્પાદિત પાકની કિંમત પોતે નક્કી કરતો થાય અને પાક્કા ગુજરાતી વેપારી બને તે દિશામાં આગળ વધવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે, શ્રી દિનેશભાઈએ ચીન ખાતે વર્ષ ૨૦૧૯માં અંજીરની ખેતીના ફાર્મ ખાતે મુલાકાત લીધી હતી. અંજીરની પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ પણ મેળવી હતી. ગુજરાત સરકારની બાગાયત ખાતાની યોજના અન્વયે રૂ. ૬૦ હજારની સહાય પણ મેળવી. ખેડૂત દંપતીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી અંજીર ઉગાડ્યા અને કમાલ કરી ! વાર્ષિક રૂ. ૨૨ લાખથી વધુની અધધ આવક મેળવી.
અંજીરના પાક માટે રેતાળ કાળી જમીન, પાણીનો ભરાવો ન થાય તે પ્રકારની જમીનની જરૂરીયાત હોય છે. સૂકું વાતાવરણ અંજીરના પાકને માફક આવે છે. અંજીર એક સમશીતોષ્ણીય પાક છે તેને પકવવા માટે અંદાજે ૫-૬ મહિનાનો સમય જોઇએ છે. પ્રગતિશીલ ખેડૂતશ્રી દિનેશભાઈ સવસૈયાએ અંજીરની પ્રાકૃતિક કૃષિ માટે ઘન જીવામૃત, આચ્છાદનનો ઉપયોગ કર્યો છે. જેના ઉત્કૃષ્ટ પરિણામો મળ્યા છે.
ખેડૂત જાતે જ વેપારી બનવાનો વિચાર કરશે તો જ તે ખેતીમાં બે પૈસા રળી શકશે! આ વાત પ્રગતશીલ ખેડૂત શ્રી દિનેશભાઈ સવસૈયાએ સાર્થક કરી છે. તેમણે પોતાની જમીનમાં બાગાયતી પાક અંજીરના છોડ ઉછેરીને નર્સરી બનાવી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં તેમણે કુલ ૪૨ હજાર રોપાનું વેચાણ કરીને વધારાની આવક પણ મેળવી છે.
શ્રી દિનેશભાઈ સવસૈયા અને તેમના ધર્મપત્નીશ્રી વિલાસબેન જણાવે છે કે, એક એકરદીઠ ૫૫૦ જેટલા અંજીરના છોડનું વાવેતર કરવામાં આવે છે. આ દરેક છોડદીઠ ૧૦ થી ૧૫ કિલોગ્રામ જેટલા અંજીરનો પાક ઉતરે છે. પ્રાકૃતિક કૃષિ થકી ઉત્પાદિત અંજીરની બજારમાં ખૂબ મોટી માંગ છે અને ભાવ પણ સારા મળે છે. તેઓ અંજીરનો પાક લઈને તેને ધોવા અને સૂકવવા, કટીંગ-ક્રશ, ભઠ્ઠીમાં પકાવવા, તેમાં મધ, અર્જુન છાલ, એલચી સહિત અન્ય ચીજ-વસ્તુઓ ઉમેરીને તેમાંથી અંજીરની વિવિધ પ્રોડ્ક્ટ બનાવે છે. તેમજ તેનું પેકેજિંગ કરી, જાતે જ માર્કેટિંગ કરી વેચાણ કરે છે. ઉલ્લેખનીય છે કે, અંજીર પાક વેવતર માટે એક એકરદીઠ પ્રથમ વખત કુલ રૂ. ૮૦ થી ૯૦ હજારનો ખર્ચ થાય છે.
સૌરાષ્ટ્રના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. પ્રાકૃતિક કૃષિમાં બાગાયતી પાકો પણ સારૂં વળતર આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી થકી જમીન અને ખેડૂત બંને સમૃદ્ધ બનવા તરફ અગ્રેસર છે.


















Recent Comments