ભારતીય ખાદ્ય સુરક્ષા મંડળ’ (FSSAI – Food Safety and Standards Authority of India) એ એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જે ખાદ્ય અને પીણા બનાવતી કંપનીઓને ‘વિશ્વ આરોગ્ય સંગઠન’ (WHO) ના નિર્ધારિત ધોરણો પૂરા ન કરતા હોય એવા ઉત્પાદનો પર ‘ઓરલ રિહાઈડ્રેશન સૉલ્ટ’ (ORS)નું લેબલ લગાવવાથી રોકે છે. ભ્રામક જાહેરાતો દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના આ ચિંતાજનક ચલણનો અંત લાવનાર આ નિર્ણય પાછળ હૈદરાબાદના બાળરોગ ચિકિત્સક ડૉ. શિવરંજની સંતોષના આઠ વર્ષના અથાક પ્રયત્નો રહેલા છે.ORS એ એક વિશેષ પ્રકારનું મિશ્રણ છે, જે ગ્લુકોઝ અને જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સનું સંયોજન છે. 1969માં રજૂ થયા પછી WHO અને યુનિસેફ દ્વારા માન્યતા પ્રાપ્ત આ ફોર્મ્યુલાનો મુખ્ય ઉપયોગ શિશુઓ અને નાના બાળકોમાં અતિસાર (ડાયરિયા, ઝાડા લાગવા)ને કારણે થતા ડિહાઇડ્રેશનની સારવાર માટે થાય છે. વિકાસશીલ દેશોમાં બાળમૃત્યુનું મોટું કારણ તીવ્ર અતિસાર છે, જેમાં શરીરમાં પાણી અને લવણનું પ્રમાણ ઘટી જવાથી પ્રાણઘાતક સ્થિતિ ઊભી થાય છે. ORS એ આ સમસ્યાનો સરળ, સસ્તો અને અત્યંત અસરકારક ઉપાય ગણાય છે. એણે વિશ્વભરમાં લાખો બાળકોના જીવન બચાવ્યા છે. WHO દ્વારા નિર્ધારિત ORSની ચોક્કસ ફોર્મ્યુલા છે, જે મુજબ પ્રતિ લિટર પાણીમાં 2.6 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ, 1.5 ગ્રામ પોટેશિયમ ક્લોરાઇડ, 2.9 ગ્રામ સોડિયમ સાઇટ્રેટ અને 13.5 ગ્રામ ડેક્સ્ટ્રોઝ એનહાઇડ્રસ એટલે કે ગ્લુકોઝ (ખાંડ) હોવાં જોઈએ. WHOની નિષ્ણાત સમિતિ દ્વારા ઓક્ટોબર 2005 માં અપનાવવામાં આવેલ આ નવીનતમ ફોર્મ્યુલા છે, જે બાળકો અને પુખ્ત વયના લોકો બંને માટે સલામત છે.પ્રશ્ન એ હતો કે, બજારમાં ORSના નામથી વેચાતા અનેક ઉત્પાદનો, ખાસ કરીને એનર્જી ડ્રિંક્સ અને વિવિધ પીણાંઓ, આ ચોક્કસ ફોર્મ્યુલાનું પાલન કરતા ન હતા. બાળરોગ ચિકિત્સક ડૉ. શિવરંજની જણાવે છે કે, ‘આવા અનેક ઉત્પાદનોમાં WHOના ધોરણ કરતાં ઘણી વધારે માત્રામાં ખાંડ (કેટલાકમાં 120 ગ્રામ પ્રતિ લિટરથી પણ વધુ!) અને ખોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હતા. જ્યારે માતાપિતા ડિહાઇડ્રેશનથી પીડાતા બાળક માટે ORS લેવા ફાર્મસી પર જાય છે ત્યારે તેમને એવું પીણું મળે છે જે રોગને વધુ વિકટ બનાવે છે. આવા ભ્રામક લેબલિંગથી ગ્રાહકો ભૂલમાં પડી જતા હતા અને બાળકોના જીવ જોખમમાં મુકાતા હતા.’ડૉ. શિવરંજનીએ આવા ખોટા ઉત્પાદનો સામે ઝુંબેશ શરૂ કરી. તેમણે સૌપ્રથમ સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ દ્વારા માતાપિતાને આ જોખમો વિશે જાગૃત કરવાનું શરૂ કર્યું. જ્યારે એની કોઈ ખાસ અસર ન થઈ, ત્યારે તેમણે નિયમનકારી સંસ્થાઓનો સંપર્ક કર્યો. પહેલાં ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન’ (CDSCO), પછી FSSAI અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સામે આ મુદ્દો ઉઠાવ્યો. 2022માં તેમણે તેલંગાણા હાઈકોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરી, જેના પરિણામે FSSAIએ એપ્રિલ 2022માં ‘ORS’ લેબલ વાપરવા પર પ્રતિબંધ મૂક્યો, પરંતુ પછીથી જુલાઈ 2022માં એક વિવાદાસ્પદ નિર્ણય લઈને કંપનીઓને નાના ડિસ્ક્લેમર સાથે લેબલ વાપરવાની છૂટ આપી. આ ડિસ્ક્લેમરમાં લખ્યું હતું: ‘આ ઉત્પાદન WHO દ્વારા ભલામણ કરાયેલ ORS ફોર્મ્યુલા નથી.’ડૉ. શિવરંજનીએ આવો ‘સગવડિયો’ ચુકાદો સ્વીકાર્યો નહીં. તેમણે તેલંગાણા હાઈકોર્ટમાં બીજી અરજી કરી. આ વખતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, FSSAI, અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ તથા કેનવ્યુ સહિત અનેક કંપનીઓને પ્રતિવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતાં. આ કેસમાં ડૉ. શિવરંજનીએ આઠ વર્ષ સુધી લડત આપવી પડી, પણ આખરે એમની મહેનત ફળી. 14 ઓક્ટોબરના રોજ FSSAIએ કડક આદેશ જારી કર્યો કે, WHOના ધોરણો પૂરા ન કરતા હોય એવા તમામ ખાદ્ય ઉત્પાદનો પરથી, તેમના નામ, બ્રાન્ડ અથવા ટ્રેડમાર્કમાંથી ‘ORS’ શબ્દ દૂર કરવાનો રહેશે. આ નિર્ણયને ડૉ. શિવરંજનીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાવનાત્મક વિજય તરીકે ઉજવ્યો. આ સફળતા એ વાતની સાબિતી છે કે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ફક્ત એક વ્યક્તિની દ્રઢ ઇચ્છાશક્તિ અને લગન જ પૂરતી હોય છે.
એક મહિલા ડૉક્ટરે લાખો શિશુઓને મોતના મોંમાં ધકેલાતા બચાવ્યાં, ORSના દુરૂપયોગને અટકાવ્યો

Recent Comments