અમરેલી

સાવરકુંડલામાં  સાહિત્યના મહારથિઓનો મેળાવડો ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૫મા જ્ઞાનસત્રનું ભવ્ય સમાપન

જ્ઞાનસત્રના ત્રીજા અને અંતિમ દિવસે પહેલી બેઠક પ્રદેશના વતની એવા સર્જક વિશેષના પ્રદાન સંદર્ભે મળી હતી.

પત્રકાર, લેખક, સંશોધક ઉર્વીશ કોઠારીએ સાવરકુંડલામાં શિક્ષક રહેલા રતિલાલ બોરીસાગરના હાસ્ય સાહિત્યની વિશદ છણાવટ કરી હતી. આ અભ્યાસમાં તેમણે બોરીસાગર સાહેબના પુસ્તકોને મુખ્ય આધાર બનાવ્યો હતો. રતિલાલ બોરીસાગરના એક પુસ્તકની વિવિધ સમયે આવૃત્તિઓ થઈ હતી. એ આવૃત્તિઓ વચ્ચે શું ભેદ હતો એ ઉદાહરણ સહિત વાત મુકી આપી હતી.
પ્રાધ્યાપક કેસર મકવાણાએ વંડા ગામમાં શિક્ષક રહેલા નાનાભાઈ જેબલિયાના ઐતિહાસિક વાર્તાઓના લેખનને વિભિન્ન આયામો સાથે સમજાવી હતી.
વ્યવસાયે તબીબ અને શોખથી ગઝલકાર એવા સુરતના વિવેક ટેલરે સાવરકુંડલાના રહીશ કવિ, ગઝલકાર ભરત વિંઝુડાના શબ્દકર્મની છણાવટ કરી હતી.
આ બેઠકના સંકલનકાર પ્રોફેસર જયંત ડાંગોદરા રહ્યા તેમજ મનસુખ સલ્લાએ અધ્યક્ષપદ સંભાળ્યું હતું. બેઠકની મધ્યમાં રતિલાલ બોરીસાગરે પોતાના વતનમાં યોજાઈ સંપન્ન થયેલા જ્ઞાનસત્ર માટે પોતાના મનોભાવ વ્યક્ત કર્યા હતા. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન વતી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. પ્રકાશ કટારિયાએ અને ગુજરાતી સાહિત્ય પરિષદ વતી તેના મહામંત્રી સમીર ભટ્ટે સંસ્થાગત પ્રદાનની નોંધ લઈ આભારદર્શન વિધિ કરી હતી. પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ સમાપન નોંધ, વક્તવ્ય આપતા સમગ્ર આયોજન બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. એ સાથે તેઓએ આવતા વર્ષે 2026ના અંત ભાગે ફરીથી મળવાનો કૉલ, વાયદો આપ્યો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts