હવામાં જે લહેરાઈ છે એ દીકરીઓની જીતની ખુશ્બૂ છે,
મેદાનમાં જે કંડારાઈ છે એ આત્મવિશ્વાસની આબરૂ છે.
થઈને પવન જે દોડી છે એ પાંખો વિનાની ઉડાન છે,
આજ ઘેલાણી કોલેજની દીકરીઓ સાવરકુંડલાની શાન છે.
–“પાંધી સર”
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલા ખાતે તાજેતરમાં વાર્ષિક ‘સ્પોર્ટ્સ ડે’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રિન્સિપાલશ્રી ચાવડા સાહેબના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ આયોજિત આ રમતગમત મહોત્સવમાં કોલેજની દીકરીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પોતાની શારીરિક ક્ષમતા અને ખેલદિલીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
મેદાન પર યોજાયેલી વિવિધ દોડ અને ફેંકની સ્પર્ધાઓમાં રસાકસી જોવા મળી હતી. જેના મુખ્ય પરિણામો નીચે મુજબ રહ્યા:
દોડ સ્પર્ધા: ૧૦૦ મીટરમાં હડિયા હીના, ૨૦૦ મીટરમાં મકવાણા હેતલ, ૪૦૦ મીટરમાં સરવૈયા ભૂમિકા અને ૮૦૦ મીટરમાં ગોસ્વામી શિવાનીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાની ઝડપનો પરિચય આપ્યો હતો.
કૂદ સ્પર્ધા: ઉંચી કૂદ અને લાંબી કૂદ બંનેમાં શેખ રુકસાનાએ પ્રથમ ક્રમ મેળવી મેદાન માર્યું હતું.
ફેંક સ્પર્ધા: ચક્ર ફેંકમાં દેવ મુરારી હિરલ જ્યારે બરછી ફેંક અને ગોળા ફેંકમાં પારગી વીણાએ પ્રથમ સ્થાન મેળવી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પારગી વીણાને ‘કોલેજ ચેમ્પિયન’ અને શેખ રુકસાનાને ‘કોલેજ રનર્સઅપ’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કે.કે. હાઈસ્કૂલના રમતગમત શિક્ષકશ્રી વિપુલભાઈ દવેએ મેદાનની માપણી અને ટેકનિકલ માર્ગદર્શન આપી વિશેષ સહયોગ આપ્યો હતો, જે બદલ કોલેજ પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સ્પર્ધાનું સુવ્યવસ્થિત આયોજન સ્પોર્ટ્સ કો-ઓર્ડિનેટર ડો. કે.પી. વાળા દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્ટાફ પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં પ્રિન્સિપાલશ્રીએ તમામ વિજેતા અને સહભાગી વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.















Recent Comments