અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના છેવાડાના ઘોબા ગામમાં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર આજે ગ્રામ્ય સ્વાસ્થ સેવાઓમાં ઈનોવેશન, ટેક્નોલોજી અને માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. આશરે ૩,૫૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં કાર્યરત તબીબ ડૉ. સચિન ઉદેશ દ્વારા સ્વાસ્થ સેવાઓને વધુ સુલભ, અસરકારક અને સર્વસમાવેશી બનાવવા માટે અનેક નવતર પહેલો હાથ ધરવામાં આવી છે.
ડૉ. સચિન ઉદેશ દ્વારા વિકસાવવામાં આવેલી “એન.સી.ડી ફોલોઅપ” મોબાઈલ એપ્લિકેશન બી.પી., ડાયાબિટીસ, કેન્સર સહિતના નોન-કમ્યુનિકેબલ ડિસીઝ ધરાવતા દર્દીઓ માટે નિયમિત દવા અને ફોલોઅપ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ એપ્લિકેશન દર્દીના મોબાઈલ પર દવા પૂર્ણ થવાની તારીખે ડોક્ટરને બતાવવા જવાની સૂચના આપે છે તેમજ એસ.એમ.એસ અને ફોન કોલ દ્વારા નિયમિત દવા લેવાની યાદ અપાવે છે.
ડોક્ટર માટે ઉપલબ્ધ ડેશબોર્ડમાં ગ્રીન, યેલ્લો અને રેડ કલરના માર્કર દ્વારા દર્દીના ફોલોઅપની સ્થિતિ સ્પષ્ટ રીતે જાણી શકાય છે. ગ્રીન કલર નિયમિત ફોલોઅપ દર્શાવે છે, યેલ્લો એક મુલાકાત ચૂકી ગયેલા દર્દી દર્શાવે છે, જ્યારે રેડ કલર બે કે તેથી વધુ ફોલોઅપ ચૂકી ગયેલા દર્દીઓની માહિતી આપે છે. આથી જોખમગ્રસ્ત દર્દીઓને સમયસર સારવાર સાથે જોડવાનું કાર્ય સરળ બન્યું છે. આ ઈનોવેશનથી ગ્રામ્ય વિસ્તારમાં દવા ન લેવાના કારણે થતી જટિલતાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
આ અંગે આયુષ્માન આરોગ્ય મંદિરના તબીબ ડૉ. સચિન ઉદેશે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓ ઘણી વખત ફોલોઅપ કાર્ડ કે દવાની તારીખ યાદ રાખી શકતા નથી. એન.સી.ડીના દર્દીઓ માટે નિયમિત દવાપાલન અત્યંત જરૂરી છે. હાલ આ એપ્લિકેશનનો લાભ ગામના ૨૧૭ દર્દીઓ લઈ રહ્યા છે. જે દર્દીઓ સ્વયં આવી શકતા નથી, તેમને ઘરેથી જ દવા પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
ડિજિટલ સ્વાસ્થ સેવાઓ : આભા અને આયુષ્માન કાર્ડ સરળતાથી ઉપલબ્ધ
આ તબીબની પહેલથી દવાખાનામાં અન્ય સ્વાસ્થ સેવાઓ પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ બની છે. આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડ માટે અરજી કરવા માટે ખાસ ક્યૂ.આર. કોડ તૈયાર કરી આયુષ્માન આરોગ્ય મંદિરના પરિસરમાં મૂકવામાં આવ્યા છે. ગામના કોઈપણ શિક્ષિત વ્યક્તિની સહાયથી નાગરિકો સરળતાથી આ કાર્ડ માટે અરજી કરી શકે છે, જેના કારણે સરકારી સ્વાસ્થ યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બની છે.
આ અંગે ગામના રહેવાસી શ્રી લાલજીભાઈ શેલડીયાએ જણાવ્યું હતું કે, તેઓ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દી છે અને આયુષ્માન આરોગ્ય મંદિરમાંથી નિયમિત દવા મેળવે છે. દર મહિને મેસેજ અને ફોન દ્વારા દવા લેવા અંગે સૂચના મળતી હોવાથી તેઓ નિયમિત દવાપાલન કરી શકે છે.
સુરક્ષા પ્રોજેક્ટ : મહિલા સ્વાસ્થ અને ગોપનીયતાને પ્રાધાન્ય
ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓ અને બહેનોના મેનસ્ટ્રુઅલ હાઇજીન માટે ડૉ. સચિન ઉદેશ દ્વારા સુરક્ષા પ્રોજેક્ટ અંતર્ગત સેનેટરી પેડ વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. દવાખાનામાં ઉપલબ્ધ પ્લાસ્ટિકના કોઇન દ્વારા કિશોરીઓ નિશુલ્ક સેનેટરી પેડ મેળવી શકે છે. જે કિશોરીઓને સામાજિક સંકોચ હોય તેવા કિસ્સામાં ક્યૂ.આર. કોડ મારફતે ફોર્મ ભરી માસિકની નિયમિતતા, આવતી સમસ્યાઓ તથા આવશ્યક સેનેટરી પેડની સંખ્યા અંગે માહિતી લેવામાં આવે છે. આ માહિતીના આધારે આયુષ્માન આરોગ્ય મંદિરનો મહિલા સ્ટાફ કિશોરીઓના ઘરે જઈ યોગ્ય માર્ગદર્શન આપે છે તેમજ જરૂરી સેનેટરી પેડ પણ પહોંચાડે છે.
ગ્રામજનોમાં સંતોષ અને વિશ્વાસ
આ પહેલોથી ગ્રામજનોમાં વિશેષ સંતોષ જોવા મળી રહ્યો છે. ગામના રહેવાસી તથા પૂર્વ ઉપસરપંચશ્રી દિલુભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, ઘોબા આયુષ્માન આરોગ્ય મંદિર રાજ્યમાં આ સ્તરે કાર્ય કરતું એક અગ્રણી ડિજિટલ આયુષ્માન મંદિર છે. અહીં તમામ સુવિધાઓ ડિજિટલ રીતે ઉપલબ્ધ છે. તબીબની સતર્કતાના કારણે મોટા પ્રમાણમાં નોર્મલ પ્રસુતિઓ પણ સફળતાપૂર્વક થાય છે. ઉપરાંત દર મહિને મેગા આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે.
રાજ્ય માટે અનુસરણયોગ્ય મોડેલ
ડૉ. સચિન ઉદેશના પ્રો-એક્ટિવ અભિગમથી ગ્રામ્ય સ્વાસ્થ સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આ ઇનોવેશન મોડેલને રાજ્ય સ્તરે અમલમાં લાવવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું છે. ટેક્નોલોજી, સંવેદનશીલતા અને લોકસહભાગિતાનો સુમેળ સાધતી આ પહેલ રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે ‘બેસ્ટ પ્રેક્ટિસ મોડેલ’ તરીકે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.


















Recent Comments