ગુજરાત

અમદાવાદ પોલીસની કસ્ટડીમાંથી મેડિકલ ચેકઅપ સમયે ભાગી ગયો રીઢો ગુનેગાર

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં આશરે સવા મહિના પહેલા થયેલી ૪૬ લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી સર્વલન્સ, મોબાઇલ લોકેશન અને અન્ય માહિતીના આધારે ગુરૂવારે (૧૭મી એપ્રિલ) મહેસાણાથી અર્જુન રાજપુત નામના આરોપીને ૨૭ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ દરમિયાન આરોપીની પૂછપરછ થાય અને વધુ પ્રક્રિયા થાય તે પહેલા તેને શુક્રવારે (૧૮મી એપ્રિલ) મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પકડાયેલો આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામ્યો હતો.
પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં આરોપી અર્જુન રાજપુતની ૫૦થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી ખુલી છે. જ્યારે વધુ ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીની ચીખલીગર ગેંગ સાથે પણ સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં ત્રીજી માર્ચના રોજ ૪૬ લાખ રૂપિયાની મત્તાની ઘરફોડ ચોરી થઇ હતી. જે બનાવ અંગે સેટેલાઇટ પોલીસની સાથે ડીસીપી ઝોન-૭ના લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
આ સમાચાર લખાય છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એલસીબી ઝોન-૭ના સ્ટાફને કેટલાંક સીસીટીવી મળ્યા હતા. જેને ટ્રેક કરતા શંકાસ્પદ વ્યક્તિ એક નંબર પ્લેટ વિનાનું બાઇક લઇને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે ૩૫૦ જેટલા સીસીટીવી ફુટેજ ટ્રેક કરવાની સાથે ચોક્કસ લોકેશનના મોબાઇલ નંબરની વિગતો એકઠી કરતા સમગ્ર કેસની તપાસ મહેસાણા રૂટ તરફ જતી હતી સાથેસાથે ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી તપાસતા અગાઉ વડોદરામાં પણ ચોક્કસ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની કડી મળી હતી. છેવટે પોલીસને આ કેસમા અર્જુન રાજપુતની સંડોવણી ખુલતા પોલીસે તેને ઝડપીને તેની પાસેથી ૨૬ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના સહિત કુલ ૨૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

Related Posts