અમરેલી

સાવરકુંડલાના માનવ મંદિરે સુર સામ્રાજ્ઞી આશા ભોંસલેને અપાશે ભાવપૂર્ણ ‘સ્વરાંજલિ’

​ગયો એ સૂરનો સૂરજ, 

છતાં ઝળહળ સિતારા છે,

આપના શ્વાસ સંગીતમાં, 

હજી જીવંત ધારા છે.

​ભલે વિદાય લીધી હો, 

આપ છો યાદના ખૂણે,

અમોને મખમલી લયના, 

મળ્યા કાયમ કિનારા છે.

–“પાંધી સર”

ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય સમાન અને કરોડો હૃદયના ધબકારા ગણાતા ગાયિકા આશા ભોંસલેજીના અવસાનથી સમગ્ર સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાવરકુંડલાના સંગીત પ્રેમીઓ પણ આ ખોટથી ભારે આઘાત અનુભવી રહ્યા છે. આશાજીના અમર સૂર અને સંગીત પ્રદાનને વંદન કરવા માટે સાવરકુંડલા સ્થિત ‘માનવ મંદિર’ આશ્રમ દ્વારા એક વિશેષ સ્વરાંજલિ અને સ્મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

​આ કાર્યક્રમ પ. પૂ. ભક્તિરામબાપુના અધ્યક્ષસ્થાને આગામી તારીખ ૧૬-૦૪-૨૦૨૬, ગુરુવારના રોજ બપોરે ૪:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક દરમિયાન માનવ મંદિર આશ્રમ ખાતે યોજાશે. આ પ્રસંગે શહેરના કલાકારો અને સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહી આશાજીના મખમલી અવાજને પોતાની સ્વરાંજલિ દ્વારા યાદ કરશે. આશ્રમ પરિવાર દ્વારા તમામ સંગીત પ્રેમીઓ અને આશાજીના ચાહકોને સમયમર્યાદા જાળવી આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

Related Posts