ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાનનાં સંયુક્ત ઉપક્રમે ભાવનગરના વિરભદ્ર અખાડા ખાતે “વિશ્વ ધ્યાન દિવસ શિબિર”યોજાઇ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાનનાં સંયુક્ત ઉપક્રમે ભાવનગરના વિરભદ્ર અખાડા ખાતે “વિશ્વ ધ્યાન દિવસ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કૉ-ઓર્ડિનેટરશ્રી હેતલબેન કાછડીયા અને સોશિયલ મીડિયા કોર્ડીનેટર હેતલબેન પટેલ દ્વારા વ્યાયામ, આસન, પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવ્યાં હતાં.
આ અવસરે જિલ્લા કૉ-ઓર્ડિનેટરશ્રી હેતલબેન કાછડીયાએ કહ્યું કે, યોગ દ્વારા લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સંપૂર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે. જન સમુદાયમાં યોગ અંગે જાગૃત્તિ ફેલાવવા તથા યોગ પ્રવૃત્તિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના પણ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા કો.ઓર્ડીનેટરશ્રી હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં અથાગ પ્રયત્નોથી યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તેમજ ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી અને યોગ સેવકશ્રી શિશપાલજી રાજપુત ગુજરાતને યોગમય બનાવવા પુરુષાર્થ કરી રહ્યા છે. યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે, યોગ અને ધ્યાન થકી સમાજને નિરોગી અને સ્વસ્થ બનાવી શકાય છે.તન અને મનને જોડી રાખવાનું કાર્ય યોગ કરે છે તેમ જણાવી તેમણે યોગ અને ધ્યાનથી થતાં ફાયદા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. બાળ રોગ નિષ્ણાત ડૉ. મિતુલ મોદીએ ધ્યાન વિશે માહિતી આપી હતી.
‘વિશ્વ ધ્યાન દિવસ શિબિર’માં જિલ્લાના કો.ઓર્ડીનેટરો, હિમાલયન ધ્યાનના આચાર્યશ્રી રાજેશભાઈ બલર,યોગકોચ,યોગ ટ્રેનર્સ તથા સાધકો હિમાલિયન ધ્યાનના યોગ સાધકો ઉપરાંત સ્કૂલ,કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments