અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે જનપ્રતિનિધિશ્રીઓના વિવિધ વિસ્તારના પેન્ડિંગ પ્રશ્નો જેમ કે, રોડ-રસ્તાઓ, પાણી, વીજ, ગૌચર જમીન પરના દબાણો સહિતના નાગરિકલક્ષી પ્રશ્નો અન્વયે તેના નિકાલ માટેની સૂચનાઓ ઉપસ્થિત સંબંધિત અધિકારીશ્રીને આપી હતી.

જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોના પ્રશ્નોના સકારાત્મક નિરાકરણ કરવા માટે સંબંધિત કચેરીઓના વડાઓને જરુરી સંકલન કરવા જણાવ્યું હતું.

આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સરદાર પટેલ જન્મ જયંતીની ઉજવણી હાથ ધરવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે યુનિટી માર્ચનું આયોજન હાથ ધરવામાં આવશે. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ પ્રાંત અધિકારીશ્રીને જરૂરી કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના સૌ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. 

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી દિલિપસિંહ ગોહિલે કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, પ્રાંત અધિકારી શ્રીઓ, માર્ગ અને મકાન (રાજય અને પંચાયત), સિંચાઇ, જળસિંચન સહિત વિવિધ કચેરીઓના કાર્યપાલક ઇજનેરશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts