અમરેલી

જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલનના સર્વે અધિકારીઓની બેઠક યોજાઈ

વિકસિત ભારત@૨૦૪૭ના સોનેરી સપનાને સાકાર કરવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ ગ્રોથ એન્જિન સાબિત થશે. આ દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં આરોગ્ય, શિક્ષણ, આંતરમાળખું, કોસ્ટલ એરિયાનો વિકાસ સહિતના ક્ષેત્રોમાં વિવિધ વિકાસકામો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. 

આજરોજ અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારે જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ અને બાબરા મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નંદઘર-આંગણવાડી અને પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈને આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ વ્યવસ્થા અને મઘ્યાહન ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલનના સર્વે અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. ‘વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓ મહત્વનો ફાળો આપી શકે તે માટે ચોક્કસ દિશામાં આગળ ધપવાની રાજ્ય સરકારની નેમ છે.

આ દિશામાં પૂર્વ આયોજન સાથે આગળ વધવા માટે અને વિવિધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (કુલ ૧૭ ગોલ્સ)માં અમરેલી જિલ્લો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નક્કી કરેલા નિશ્ચિત લક્ષ્યાંકો સમય મર્યાદામાં પ્રાપ્ત કરી શકે તે માટે બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારે જિલ્લા સંકલનના સર્વે અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડીને જરૂરી દિશાનિર્દેશો પણ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારમાં નીતિ આયોગ બિગ થિંક ટેંક તરીકેનો મહત્વનો રોલ અદા કરી રહી છે. નીતિ આયોગ દ્વારા મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (બહુપરિમાણીય ગરીબી સૂચકઆંક) જાહેર કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ અન્વયે આરોગ્ય, શિક્ષા સહિતના વિવિધ ઇન્ડીકેટર્સમાં નેશનલ એમ.પી.આઈ ઇન્ડીકેટર્સ મુજબ પ્રદર્શનનું માપન કરવામાં આવે છે. આ ઈન્ડેક્સમાં પ્રદર્શન મુજબ વિવિધ રાજ્યોને ક્રમાંક અથવા અલગ અલગ કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં પણ આ ઇન્ડેક્સ અન્વયે વિવિધ ઇન્ડીકેટર્સમાં લક્ષ્યાંક મુજબ અને આયોજન સાથે પ્રગતિલક્ષી કામગીરી હાથ ધરવામાં આવે તે માટે પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારે ઉપસ્થિત સંકલનના સૌ અધિકારીશ્રીઓને ભારપૂર્વક સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ, જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ (સંકલનના સર્વે અધિકારીશ્રીઓ) ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts