અમરેલી

સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (DISHA) ની બેઠક યોજાઈ

અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (DISHA) ની બેઠક યોજાઈ હતી.

અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર સંચાલિત જનકલ્યાણકારી યોજનાઓ, અભિયાનો અને વિકાસ કાર્યો અન્વયે થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

સાંસદશ્રીએ, જિલ્લામાં સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે નાગરિકો માટે થયેલા વિકાસ કાર્યોને સરાહનીય કામગીરી ગણાવી હતી. જિલ્લામાં હજી વધુ સારા કાર્યો કરવા માટે અનુરોધ કર્યો હતો.

કેન્દ્ર સરકારની યોજનાઓ અને પ્રકલ્પો વધુ પ્રભાવી રીતે નાગરિકો સુધી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ સાંસદશ્રીએ આપ્યું હતું.

સાંસદશ્રીએ “સ્વામિત્વ યોજના” અન્વયે સમગ્ર જિલ્લામાં પ્રોપર્ટી કાર્ડ લગત કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવા બાબતે સૂચનાઓ અને નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત રેલવે, વીજળી, આધાર અપડેટ કીટ કાર્યરત બનાવવી, બી.એસ.એન.એલ નેટવર્ક સુવ્યવસ્થિત રીતે સંચાલિત બનાવવું, ગ્રામ પંચાયતો ખાતે ભારતનેટની સુવિધાઓ સંચાલિત બનાવવા  સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ કચેરીઓના વડાશ્રીઓ સાથે પરામર્શ કર્યો હતો. જિલ્લામાં ભૌતિક સુવિધાઓ થકી જનસુખાકારી વધારો થાય તે માટે સાંસદશ્રીએ સૂચનાઓ પણ આપી હતી.

આ બેઠકમાં દીનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય કૃષિ તથા પરંપરાગત કૃષિ વિકાસ યોજના, આત્મા, સ્વામીત્વ યોજના, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, સ્વચ્છ ભારત મિશન,  નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલોપમેન્ટ, ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સેફ્ટી એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન, બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, નેશનલ હેલ્થ મિશન, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુગમ્ય ભારત અભિયાન, નેશનલ ફૂડ સિક્યુરિટી  એક્ટ, ખેલો ઇન્ડિયા 2.0 સહિતની પ્રજાલક્ષી યોજનાઓ અને અભિયાનોના લક્ષ્યાંક સામે સિદ્ધિઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

બેઠક દરમિયાન વિકસિત ભારત@2047 : જી-રામ-જી (મનરેગા) યોજનાને સર્વ સભ્યશ્રીઓએ પ્રસ્તાવ પ્રસ્તુત કરીને સર્વાનુમતે આવકારદાયક પગલું ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉની “મનરેગા યોજના”માં સુધારા કરીને કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી ૧૨૫ દિવસની રોજગારીના લક્ષ્યાંકને કેન્દ્રમાં રાખીને  વિકસિત ભારત-જી-રામ-જી યોજના સંસાચિલત કરવામાં આવી છે. જે અન્વયે રોજગાર ગેરંટીના દિવસો ૧૦૦ થી વધારીને ૧૨૫ કરવામાં આવ્યા છે. સાથે સુધારેલ યોજના થકી ગ્રામ્યકક્ષાએ જળ સંરક્ષણ, ગ્રામીણ આંતરમાળખાકીય સુવિધાઓ, આજીવિકા આધારિત સંપત્તિ નિર્માણના કાર્યોને વેગવંતા બનાવવામાં આવશે. ઉપરાંત આ કામોનું સામાજિક ઓડિટ ફરજિયાતપણે કરવામાં આવશે આથી પારદર્શિતામાં વધારો થશે.

જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ પણ પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કે.જે. જાડેજાએ કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના સંબંધિત સદસ્યશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના સંલગ્ન અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts