અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળ’ની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લામાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ (New India Literacy Programme – NILP)ને જિલ્લા કક્ષાએ અસરકારક રીતે અમલી બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળની બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીશ્રી સોલંકીએ જણાવ્યું હતું કે,  નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનો મુખ્ય હેતુ ૧૫ વર્ષ અને તેથી વધુ વયના નિરક્ષર નાગરિકોને સાક્ષર બનાવી તેમને શિક્ષણની મુખ્યધારામાં જોડવાનો છે. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ (New India Literacy Programme – NILP)નો મુખ્ય ઉદ્દેશ ૧૫ વર્ષ અને તેથી વધુ વયના નિરક્ષર નાગરિકોને સાક્ષર બનાવી તેમને શિક્ષણની મુખ્યધારામાં જોડવાનો છે.

આ કાર્યક્રમ દ્વારા વાંચન, લેખન અને ગણિત જેવી મૂળભૂત ક્ષમતાઓ વિકસાવી નાગરિકોને દૈનિક જીવનમાં સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેથી નાગરિકો મોબાઇલ, ઈન્ટરનેટ અને વિવિધ સરકારી ડિજિટલ સેવાઓનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ કરી શકે. સાથે સાથે કાનૂની સાક્ષરતા, આપત્તિ વ્યવસ્થાપન, વાણિજ્યિક કૂશળતા, આરોગ્ય સંભળઆ, કુટુંબ કલ્યાણ, કલા, વિજ્ઞાન, ટેકનોલોજી, સંસ્કૃતિ, રમત-ગમત, જાગૃતિ લાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનો ઉદ્દેશ સમાવેશક શિક્ષણને વેગ આપવાનો પણ છે, જેમાં મહિલા, વંચિત વર્ગ, ગ્રામ્ય અને શહેરી ગરીબ વર્ગને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ સાથે લોકભાગીદારી અને સ્વયંસેવક ભાવનાને પ્રોત્સાહન આપી સમાજને સાક્ષરતા અભિયાનમાં સક્રિય રીતે જોડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા  સ્વયંસેવકોની ભૂમિકા, ડિજિટલ સાક્ષરતા, જીવનકૌશલ્ય શિક્ષણ તથા સતત મૂલ્યાંકન પદ્ધતિ અંગે વિસ્તાર પૂર્વક ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ગામડાં અને શહેરી વિસ્તારોમાં યોગ્ય રીતે સર્વે કરીને લક્ષ્ય જૂથ સુધી કાર્યક્રમ પહોંચાડવા માટે જરૂરી સૂચના આપી હતી. તેમણે ચોક્કસ લક્ષિત વ્યક્તિઓને આ અભિયાનમાં જોડવા માટે તેમના વ્યવસાય અને કામકાજના અનુકૂળ સમય જેમ કે, માછીમાર સમુદાયના લોકો માટે ચોમાસામાં, ખેતમજૂર વ્યક્તિઓ માટે રાત્રિવર્ગ, વનવિસ્તારમાં દિવસ દરમિયાન વર્ગોનું આયોજન કરી અને શિક્ષણ માટે પ્રતિબદ્ધ હોય તેવા સ્વયંસેવકોને જોડવા માટે દિશાનિર્દેશ આપ્યા હતા.

આ બેઠકમાં કાર્યક્રમના ઉદ્દેશ્યો, અમલની રણનીતિ તેમજ વિવિધ વિભાગોની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.અંતમાં જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ સંબંધિત અધિકારીશ્રીઓને નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે જવાબદારીપૂર્વક અને સમયબદ્ધ રીતે કામગીરી કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, નાયબ જિલ્લા વિકસ અધિકારીશ્રી મહેકમ ઈન્ચાર્જ શ્રી, ડી.એ.ગોહિલ, પ્રાચાર્યશ્રી ડાયેટ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts