અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં, જિલ્લા કલેકટરશ્રીએ માર્ગ સલામતી અન્વયે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી, વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા.
જિલ્લા માર્ગ સલામતી સમિતિની ભલામણોને ધ્યાને લેતાં અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લામાંથી પસાર થતાં માર્ગો પરના અકસ્માત સંભવિત ક્ષેત્રો પર ગતિરોધક લગાડવા સૂચના આપી હતી. વાહન અકસ્માત નિવારણ માટે અમરેલીથી બાબરા સિંગલ પટ્ટી રોડ પર જંગલ કટિંગ સહિતના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.
સાવરકુંડલા રંધોળા રોડ, સેઢાવદર, વાઘણીયા ગામ પાસે અને નાના લીલીયા ચોકડી તથા સનાળિયા ચોકડી પાસે થર્મોપ્લાસ્ટ, કેટઆઈ, મીડિયન માર્કર, સ્પીડ બ્રેકર વગેરે કામગીરી રસ્તાની કામગીરી પૂર્ણ થયા બાદ ત્વરાએ કરવામાં આવશે. સનાળીયા ચોકડી, વાઘણીયા ગામ પાસે અને નાના લીલીયા ચોકડી પર જરુરિયાત મુજબ જંકશન બોર્ડ લગાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લા કલેકટરશ્રીએ, વાહન ચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ લગાવવા સૂચન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એ.આર.ટી.ઓ કચેરી અને શિક્ષણ સંસ્થા, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ સાથે મળીને અમરેલી જે.એન.મહેતા પોલિટેક્નિક કોલેજ ખાતે માર્ગ સલામતી જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
નંબર પ્લેટ વિનાના વાહનો અંગે ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવતા ૧૫૭ કેસ નોંધી અંદાજે રુ.૬૭,૦૦૦થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
રોડ સેફટી સંદર્ભે વિવિધ વિભાગ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરી માર્ગ સલામતી માટે જરુરી પગલાંઓ લેવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશનથી રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર શ્રી ગોહિલ, પ્રાંત અધિકારીશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, પોલીસ, આરોગ્ય, ઇમરજન્સી સેવા ૧૦૮ સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments