અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેકટર શ્રી અતુલ સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓ, નલ સે જલ યોજના અન્વયે પૂર્ણ થયેલી કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો. ઉપરાંત જે કામગીરી પ્રગતિ હેઠળ છે તે બાબતે સમીક્ષા હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પાણી પુરવઠા વિભાગના યાંત્રિક વિભાગ દ્વારા રીજુવીનેશન તથા ખાસ અંગભૂત કાર્યક્રમ અંતર્ગત કુલ ૦૫ ગામોને તાંત્રિક મંજુરી મળેલી છે જેને આ બેઠકમાં સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હયાત બોર, સંપ પર પમ્પીંગ મશીનરીની કામગીરી સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, તા.૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ની સ્થિતિએ જિલ્લામાં ઓગમેન્ટેશન ટેપ કનેક્ટિવિટી ઇન રુરલ એરિયા અને નલ સે જલ યોજના અન્વયે નળ કનેક્શન માટે ૮૨૧ ગામ અને પરાઓમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જિલ્લાના ૨,૫૮,૨૧૯ ઘરને નળ કનેક્શન આપવામાં આવ્યા છે. 

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં વાસ્મોના અધિકારીશ્રી, અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts