જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાની તમાકુ નિયંત્રણ સ્ટિયરિંગ સમિતિ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આરોગ્ય શાખા દ્વારા વર્ષ-૨૦૨૪ના એપ્રિલ થી શરુ કરી અને જાન્યુઆરી-૨૦૨૫ સુધી કરવામાં આવેલા રસીકરણની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. રસી મેળવવાના બાકી હોય તેવા બાળકોને રસીકરણ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે. ફિલ્ડ પર સર્વે વધારવા, રસીકરણને લગતી કામગીરી ઘનિષ્ઠ રીતે કરવા બાબતે હાથ ધરવાની કાર્યવાહી વિષયક ચર્ચા કરવામાં આવી હતી. ૦-૫ વર્ષના બાળકોના રસીકરણ પર ભાર આપવા જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી.
જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ અન્વયે જિલ્લામાં હાલ સંચારી રોગમાં કોઈ રોગચાળો ફેલાયેલ નથી કે સીઝનલ ફ્લુનો પણ કોઈ કેસ નોંધાયેલ નથી. આમ છતાં સીઝનલ ફ્લુ જેવી સ્થિતિ સર્જાય તો આરોગ્ય શાખા પાસે તે માટે જરુરી દવાઓ, માસ્ક સહિતનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ.
ઉનાળાની ઋતુની શરુઆત હોય ગરમી અને લૂથી બચવા વિશેષ સાવધાની રાખવાના પગલાઓ ધ્યાને લેવા સૂચના આપવામાં આવી હતી. પીવાના પાણીના ક્લોરિનેશન સહિતની બાબતે કામગીરી માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી. મચ્છર ઉપદ્રવ નિયંત્રણ માટે ફોગીંગ કામગીરી અને અન્ય પગલાઓ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ ઇન્ટિગ્રેટેડ સર્વેલન્સ પ્રોગ્રામ બાબતે સમીક્ષા કરી હતી.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ હતી. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ-તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા શાળા કાર્યક્રમ માર્ગદર્શિકા મુજબ શાળા વિસ્તારથી નજીક હોય તેવા વિસ્તારમાં તમાકુ યુક્ત પદાર્થોનું વેચાણ થઇ શકે નહિ તે બાબતે કાયદાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તે સહિતની વિશેષ સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીએ આપી હતી.
જિલ્લા સ્કવોડ, આરોગ્ય, પોલીસ, શિક્ષણ, વાહનવ્યવહાર, ખોરાક અને ઔષધ નિયમન, નગરપાલિકાઓ દ્વારા તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ એપ્રિલ-૨૦૨૪ થી જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન ૧,૫૧૭ કેસ નોંધાયા અને રુ.૧,૫૫,૨૮૦ દંડની રકમની વસૂલાત કરવામાં આવી હતી.
બેઠકનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ કર્યુ હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા-તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ, વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ-કર્મયોગીશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments