અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી.
અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજે, જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), નેશનલ વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે વિવિધ કામગીરી વિષયક વિસ્તૃત સમીક્ષા કરી હતી.
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે આરોગ્ય શાખા દ્વારા વર્ષ-૨૦૨૫ના એપ્રિલ થી શરુ કરી અને તા.૧૮ ફેબ્રુઆરી,૨૦૨૬ સુધી કરવામાં આવેલ રસીકરણની કામગીરીની વિગતો મેળવી હતી. નવા જન્મનાર બાળકને ઉંમર મુજબ રસીકરણના વિવિધ તબક્કાઓમાં રસીકરણ કામગીરી સમય મુજબ કરવામાં આવે તે માટે સૂચનાઓ આપી હતી. સાથે મિઝલ્સ અને રૂબેલા માટે રસીકરણ સઘન બને તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
રસી મેળવવાની બાકી હોય તેવા બાળકોને રસીકરણ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે. ફિલ્ડ પર સર્વે વધારવા જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી.
જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને આરોગ્યલક્ષી કામગીરીની સંકલન સમિતિ અન્વયે યોજાયેલ બેઠકમાં પણ વિવિધ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં હાલની પરિસ્થિતિએ સંચારી રોગની દ્રષ્ટિએ કોઈ રોગચાળો ફેલાયો નથી. જિલ્લામાં સિઝનલ ફ્લુનો ફેલાવો ન થાય અને સિઝનલ ફ્લુ થાય તેવા સમયે તકેદારીના ભાગરુપે આરોગ્યલક્ષી જરૂરી સાધનો, દવાઓ, માસ્ક, ટ્રીપલ ટેસ્ટિંગ કિટનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે કે, કેમ તે વિગતો જિલ્લા કલેકટરશ્રીએ મેળવી હતી. ચાલુ વર્ષે જાન્યુ થી ફેબ્રુઆરી,૨૦૨૬ સુધીમાં એનીમલ બાઈટ (રેબીઝ)ના કુલ ૨૫૫૦ કેસ નોંધાયા હતા. હડકવાનો એકપણ કેસ નોંધાયેલ નથી. જિલ્લાના તમામ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ખાતે એ.આર.વી તેમજ એ.એસ.વીનો જથ્થો ઉપલબ્ધ છે.
પીવાના પાણીના ક્લોરિનેશન સહિતની કામગીરી વધુ અસરકારક રીતે થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરીને કામગીરી ઝડપથી કરવામાં આવશે. બેઠકમાં મચ્છર ઉપદ્રવ નિયંત્રણ માટે ફોગીંગ કામગીરી અને અન્ય પગલાઓ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ-તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા શાળા કાર્યક્રમ માર્ગદર્શિકા મુજબ શાળા વિસ્તારથી નજીક હોય તેવા વિસ્તારમાં તમાકુ યુક્ત પદાર્થોનું વેચાણ થઇ શકે નહિ તે બાબતે કાયદાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તે સહિતની વિશેષ સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીએ આપી હતી.
જિલ્લા સ્કવોડ, આરોગ્ય, પોલીસ, શિક્ષણ, વાહન વ્યવહાર, ખોરાક અને ઔષધ નિયમન, નગરપાલિકાઓ દ્વારા તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ વિવિધ કલમો હેઠળ જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન ૧૫૭ કેસ નોંધાયા હતા અને રુ.૧૪ હજારથી વધુના દંડની રકમની વસૂલાત કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આઈ.એમ.એ ચેરમેન શ્રી ગજેરા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા-તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ, વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ-કર્મયોગીશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments