અમરેલી

અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમોના આયોજન અર્થે બેઠક યોજાઇ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમોના આયોજન અર્થે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલીપસિંહ ગોહિલે, જિલ્લામાં મેરેથોન, સાઇકલ રેલી સહિતના કાર્યક્રમ તેમજ આંબરડી પાર્ક સહિતના આઇકોનિક સ્થળો અને ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણ જાગૃત્તિલક્ષી વિશેષ કાર્યક્રમો યોજવા સૂચના આપી હતી. મેડિકલ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને જાગૃત્ત કરવા વિશેષ કાર્યક્રમ તેમજ જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સઘન સફાઇ કરવા જણાવ્યુ.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલીપસિંહ ગોહિલે, દરેક કચેરીઓને તાલુકા અને શહેર, તારીખ, વાર અને કાર્યક્રમની વિગતો સાથે થીમ મુજબ પ્લાસ્ટિકના ઉપયોગ સામે નાગરિકોને જાગૃત્ત કરવા આયોજન કરવા કહ્યુ.
   
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજાએ, ગ્રામ વિકાસ એજન્સીના આયોજનની વિગતો વિશે કહ્યુ કે, જિલ્લાના વિવિધ સ્વ સહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ સામે વિકલ્પરુપ શું થઇ શકે અને પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટેના વૈકલ્પિક કાર્યો વિશે જાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે.

શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ દ્વારા હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓ વિશે વિગત આપતા અનુક્રમે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મિયાણીએ કહ્યુ કે,  ધો.૧ થી ધો.૧૨ના વિદ્યાર્થીઓમાં પર્યાવરણલક્ષી જાગૃત્તિ આવે તે માટે ચિત્ર, નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવશે, એક થી ત્રણ ક્રમે વિજેતા થનારને સન્માનિત કરવામાં આવશે. પર્યાવરણલક્ષી જાગૃત્તિ ડોર ટુ ડોર  કરવામાં આવશે, વેસ્ટમાંથી બેસ્ટનું નિર્માણ, સઘન સફાઇ અભિયાન અને શેરી નાટકનું આયોજન કરવામાં આવશે.

અમરેલી સામાજિક વનીકરણ એસીએફ શ્રી રાજન જાદવે કહ્યુ કે, તા.૨૨ મે થી તા.૫ જૂન દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ પર્યાવરણલક્ષી જાગૃત્તિ, રેલી અને અન્ય કાર્યક્રમોને આવરી લઇ ૪૩ કાર્યક્રમો યોજવાનું આયોજન છે. પ્લાસ્ટિકના ઉપયોગ સામે વનસ્પતિનો ઉપયોગ કરવો, પ્લાસ્ટિક બેગ સામે શણ અને અન્ય બેગનો વિકલ્પ પસંદ કરવા નાગરિકોને જાગૃત્ત કરવામાં આવશે.

જિલ્લા પુરવઠા અધિકારી અને ઇનચાર્જ અમરેલી ચીફ ઓફિસરશ્રી પ્રતીક કુંભાણીએ જણાવ્યુ કે, બસ સ્ટેશન, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો સહિત શહેરના વિવિધ સ્થળો પર સઘન સફાઇ કરવામાં આવશે. બેનર્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને જાગૃત્ત કરવામાં આવશે.  

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકિયા, જિલ્લા પુરવઠા અધિકારી અને ઇનચાર્જ અમરેલી ચીફ ઓફિસરશ્રી પ્રતીક કુંભાણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણી, આરોગ્ય અધિકારીશ્રી સિંઘ, અમરેલી સામાજિક વનીકરણ એસીએફ શ્રી રાજન જાદવ, આઇસીડીએસ, ઉદ્યોગ, વન, રમતગમત સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

Related Posts