અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, જી.એન.એફ.એસ.યુ., અમરેલી તેમજ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અને ગુજરાત બી (મધમાખી) ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન (એફ.પી.ઓ.) (ખેડૂત ઉત્પાદક સંગઠન) ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મધમાખી દિવસ-૨૦૨૫ નિમિત્તે એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો.
અમરેલીના આજુબાજુના ગામોમાં મધમાખી પાલનમાં સારી રીતે સફળ થયેલા ૧૦ મધમાખી પાલકોએ આ સેમિનારમાં ભાગ લીધો હતો.
બાગાયત અધિકારી શ્રી એમ. જી. ગોહિલ દ્વારા મધમાખીનું પાલન કઈ રીતે કરવું, મધમાખીના પાલન માટે બાગાયત દ્વારા આપવામાં યોજનાઓ, દરેક યોજનામાં કેટલી સબસીડી મળી શકે તે સાથે તેનો લાભ કઈ રીતે મળી શકે તેના વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. માનવ જીવનમાં મધમાખીનું મહત્વ શું છે તે વિશે તેમણે જણાવ્યુ હતુ.
ગુજરાત બી (મધમાખી) ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન (એફ.પી.ઓ.) (ખેડૂત ઉત્પાદક સંગઠન) ના ઉપપ્રમુખશ્રી વી. આર. નકુમે, મધમાખીઓની વિવિધ પાંચ જાત વિશે વિગતો આપી હતી. અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખે, મધમાખી અને ખેતી તેમજ સ્વાસ્થ્યલક્ષી બાબતોમાં પૌષ્ટિક અને ગુણી આહાર તરીકે મધના ઉપયોગો અને મધમાખીનું મહત્વ સમજાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, આલ્બર્ટ આઇન્સટાઇનના કહેવા પ્રમાણે મધમાખી વગર માનવ જીવન અશક્ય છે, કારણ કે, ૯૦% ફલિનીકરણ મધમાખી દ્વારા થાય છે.
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.) ના મદદનીશ અધિકારી શ્રી જગવીર સિંહે, રોજીંદા જીવનમાં મધના સેવનથી થતાં ફાયદાઓ વિશે વાત કરી. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતો તેમણે જણાવી. મધમાખીના વિશે ફોટો-વિડિયો તેમજ વિદ્યાર્થીઓની પ્રશ્નોતરી દ્વારા વિગતો પણ તેમણે આપી હતી. કાર્યક્રમના અંતે ગુજરાત બી (મધમાખી) અને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા સર્વે વિદ્યાર્થીઓને નેચરલ વિવિધ મધ ભેટ સ્વરુપે આપવામાં આવ્યા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.સ્વપ્નિલ દેશમુખના માર્ગદર્શન હેઠળ કોલેજના સ્ટાફ શ્રી બી. યુ. પરમાર, ડૉ. વિરાભાઈ ચાવડા, શ્રી બી. ડી. મકવાણા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું.
અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના મદદનીશ નિયામક શ્રી જગવીર સિંહ, અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્ય શ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખ, ગાંધીનગર ગુજ. બીના ઉપપ્રમુખશ્રી વી. આર. નકુમ, બાગાયત વિભાગના નિવૃત્ત સંયુક્ત નિયામક શ્રી બી. યુ. પરમાર અને બાગાયત અધિકારી શ્રી એમ.જી. ગોહિલ અને વિદ્યાર્થીઓ તથા મધમાખી પાલનકર્તાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મધમાખી દિવસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી

Recent Comments