અમરેલી

ઉત્તરાયણ પર્વને લઈને કરૂણા અભિયાનના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

દર વર્ષે તા. ૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વમાં પતંગ ઉડાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સીન્થેટીક અને ચાઈનીઝ દોરા, તેમજ કાચ પાયેલ દોરાના ઉપયોગથી અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે. ઘાયલ થયેલ પક્ષીઓને તત્કાલ સારવાર મળે અને તેનો જીવ બચાવવો એ કુદરત પ્રત્યેનો શ્રેષ્ઠ માનવીય અભિગમ છે.

આજરોજ જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને સમગ્ર અમરેલી જીલ્લામાં કરૂણા અભિયાન-૨૦૨૬ના સુચારું આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી. જીલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ પ્રકારના પતંગ દોરાથી અબોલ પક્ષીઓ ઘાયલ ન થાય અને ઘાયલ પક્ષીઓને તત્કાલ સારવાર મળે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને તકેદારી રાખવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા.

સમગ્ર જિલ્લામાં આગામી તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી,૨૦૨૬ સુધી કરૂણા અભિયાન-૨૦૨૬ યોજાશે. આ અભિયાન અન્વયે અબોલ પક્ષીઓનું રક્ષણ અને વિવિધ પ્રકારના પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને તત્કાલ સારવાર મળે તે માટે પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરવામાં આવશે.

પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નં. ૧૯૬૨, વન વિભાગ હેલ્પ લાઈન નં. ૧૯૨૬ તેમજ વ્હોટ્સએપ હેલ્પ લાઈન નં. ૮૩૨૦૦ ૦૨૦૦૦ જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકોને અનુરોધ છે કે, ઘાયલ પક્ષી જોવા મળે તો તત્કાલ હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરીએ અને પક્ષીઓને સારવાર અપાવીને તેનો જીવ બચાવી માનવીય ધર્મ અને નાગરિક ફરજ અદા કરીએ.

સમગ્ર જીલ્લામાં નાગરિકો, બાળકો, યુવાઓને અપીલ છે કે, પતંગ ઉડાડવા માટે પ્લાસ્ટીક કે, સીન્થેટીક તેમજ ચાઈનીઝ સહિતના દોરાનો ઉપયોગ ન કરીએ કે, તે પ્રકારના દોરાની ખરીદી પણ ન કરીએ, પક્ષીઓના વિહરવાના સમયે એટલે કે, સવારના ૭ થી ૯ વાગ્યા સુધી તેમજ સાંજે પક્ષીઓ માળામાં પરત ફરવાના સમયે સાંજના ૫ થી ૮ વાગ્યા સુધી પતંગો ઉડાડવા માટે સાવચેતી રાખીએ અથવા તો પતંગો ન ઉડાડવા અપીલ છે.

આવો, સૌ નાગરિકો પ્રતિજ્ઞા લઈએ કે, કરૂણા અભિયાન ૨૦૨૬ના ૧૦ દિવસ દરમિયાન પતંગ દોરાથી ઘાયલ પક્ષી જોવા મળશે તો તત્કાલ તેને પશુ દવાખાને પહોંચાડીશુ, પર્યાવર પ્રેમી, કે સંસ્થા અથવા વન વિભાગને જાણ કરીશું અથવા ઉપરોક્ત કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન, વન વિભાગ હેલ્પ લાઈન તેમજ વ્હોટ્સએપ હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરીને ઘાયલ પક્ષીઓને સારવાર અપાવીને પક્ષીઓનો જીવ બચાવીશુ.

કરૂણા અભિયાન-૨૦૨૬ના સુચારું આયોજન સંદર્ભે યોજાયેલ બેઠકમાં વન વિભાગ સહિત સંબંધિત વિભાગ-કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts