અમરેલી

‘ખેલ મહાકુંભ’ અને ‘સાંસદ ખેલ મહોત્સવ’ના સુચારું આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે “ખેલ મહાકુંભ – ૨૦૨૫” અને “સાંસદ ખેલ મહોત્સવ”ના આયોજન તથા આ સ્પર્ધાઓમાં મહત્તમ વિદ્યાર્થીઓ- રમતવીરો સહભાગી બને તે માટે સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે ઇચ્છુક સ્પર્ધકોએ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે,  ગત તા. ૨૯ ઓગસ્ટથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ખેલ મહાકુંભ અન્વયે શાળા કક્ષાએથી શરૂ કરી  રાજ્યકક્ષા સુધી વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવશે. વિવિધ રમત ગમતમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. વધુ જાણકારી અથવા રજિસ્ટ્રેશન સંબંધિત સમસ્યા માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ પર સંપર્ક કરવાનો રહેશે.

ભારતની મૂળ રમતો અને વિશ્વની રમતોને પ્રોત્સાહિત કરવા, યુવાનોની ભાગીદારી વધારવા તથા ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનના સમર્થનમાં ‘સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫’નું આયોજન કરવામાં આવશે. જે અન્વયે રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. ૨૯.૦૮.૨૦૨૫ થી શરૂ કરવામાં આવી છે. આ રમતોત્સવમાં ભાગ લેવા માટે ખેલાડીઓએ તા. ૨૦.૦૯.૨૦૨૫ સુધીમાં ઓનલાઈન https://sansadkhelmahotsav.in  પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું. “ફિટ યુવા ફોર વિકસિત ભારત” થીમ અંતર્ગત આયોજિત આ રમતોત્સવમાં અલગ અલગ ૩ વયજૂથમાં એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, કોથળા દોડ, રસ્સાખેંચ રમતોની સ્પર્ધાઓ યોજાશો.

‘ખેલ મહાકુંભ’ અને ‘સાંસદ ખેલ મહોત્સવ’માં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બેઠકમાં બંને રમતોત્સવના સુચારું આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે સંબંધિત અધિકારીશ્રીઓને વિવિધ દિશાદર્શન, સૂચનાઓ આપી હતી.

બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકીયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી સહિત સંબંધિત સર્વ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Related Posts