ભાવનગર

CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન–૨૦૨૬ના આયોજન અંગે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

દરિયાકાંઠાની સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા, રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા તથા જનભાગીદારીને
પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત વંદે માતરમ્ કોસ્ટલ
સાયક્લોથોન–૨૦૨૬ના આયોજનને અનુલક્ષીને ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના
અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સાયક્લોથોનના ભાવનગર જિલ્લામાંથી પસાર થનારા માર્ગ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ,
સ્વાગત આયોજન, જનજાગૃતિ કાર્યક્રમો તથા વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
હતી. જિલ્લા કલેકટરશ્રીએ સાયક્લોથોનનું આયોજન સુચારુ અને સફળ બને તે માટે તમામ સંબંધિત વિભાગોને જરૂરી
સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં CISFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી શિવાંગીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “સુરક્ષિત તટ,
સમૃદ્ધ ભારત” થીમ સાથે આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના પશ્ચિમ કિનારે યોજાતી આ
સાયક્લોથોન કચ્છથી તા. ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પ્રસ્થાન કરશે અને મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા તથા
પોરબંદર મારફતે પસાર થઈ તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા રાજપરા
ગામે સાયક્લોથોનનું રાત્રી રોકાણ રહેશે. રોકાણના સ્થળોએ સ્થાનિક નાગરિકોના સહયોગથી સ્વાગત કાર્યક્રમો સાથે
દેશભક્તિની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દરિયાકાંઠાની સુરક્ષા અંગે જનજાગૃતિ પ્રવૃત્તિઓ યોજવામાં
આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી સહિત
સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ તથા CISFના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts