ગુજરાત રાજ્યમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી ગણતરીના ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, અમરેલી જિલ્લાએ સિંહોના સંરક્ષણ અને વસવાટમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૧૦ થી ૧૩ મે, ૨૦૨૫ દરમિયાન થયેલી આ ગણતરીમાં ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા ૮૯૧ નોંધાઈ છે, જે ૨૦૨૦ની ૬૭૪ની વસ્તી કરતાં ૨૭૧નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
આ આંકડાઓમાં, અમરેલી જિલ્લામાં ૩૩૯ સિંહોનો વસવાટ નોંધાયો છે, જે સમગ્ર ગુજરાત અને દેશમાં સૌથી વધુ છે. આ વસ્તી ગણતરી મુજબ, ગુજરાતમાં નોંધાયેલા સિંહોમાં ૨૨૫ સિંહબાળ, ૩૩૦ માદા સિંહો અને ૧૯૬ નર સિંહોનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લામાં સિંહોની આટલી મોટી સંખ્યા વન વિભાગ, સ્થાનિક સમુદાય (માલધારીઓ અને ખેડૂતો), અને સિંહ સંરક્ષણ માટે કાર્યરત સંસ્થા ના અથાગ પ્રયાસો નું પરિણામ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લીલીયા, રાજુલા, ધારી અને ગીર પૂર્વ વન વિભાગ તેમજ બૃહદ ગીર વિસ્તારના અધિકારીઓ અને કર્મચારીઓએ સિંહોના જતન માટે અદ્ભુત કામગીરી બજાવી છે. આ વિસ્તારના લોકો પણ સિંહોની સુરક્ષાને પોતાના પરિવારના સભ્યની જેમ મહત્વ આપે છે, જેના કારણે સિંહો માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ બન્યું છે. ગીર પૂર્વ વિભાગના ડીસીએફ વિકાસ યાદવ ની આગેવાની હેઠળ, વન વિભાગે સિંહ અને માનવ વચ્ચેના સંઘર્ષને ઘટાડવા અને સહ અસ્તિત્વ ને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. તેમની મહેનત અને સમર્પણથી અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વૃદ્ધિ એ ગુજરાતના વન્યજીવ સંરક્ષણના પ્રયાસોની સફળતાનું પ્રતિક છે અને ભવિષ્ય માટે આશાસ્પદ સંકેત છે. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સાવરકુંડલા દ્વારા આ સકારાત્મક પરિણામોને હૃદયપૂર્વક આવકારવામાં આવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના અથાગ પ્રયાસો તેમજ માલધારી ભાઈઓ અને ખેડૂતોના વિશેષ યોગદાન ની ઉચ્ચ શબ્દોમાં પ્રશંસા કરવામાં આવી હતી. આ સમર્પિત જૂથોના સહિયારા પ્રયાસો વિના સિંહોની વસ્તીમાં થયેલો આ ઐતિહાસિક વધારો શક્ય ન હોત. તેમનો સહયોગ ખરેખર અનુકરણીય છે અને તે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સિદ્ધિ માત્ર અમરેલી જિલ્લા માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની બાબત છે. તે દર્શાવે છે કે યોગ્ય નીતિઓ, જનભાગીદારી અને સમર્પણથી પર્યાવરણ અને વન્ય જીવોનું સંરક્ષણ કેટલું અસરકારક બની શકે છે
Recent Comments