ભાવનગર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં હણોલ ગામે રાત્રી સભા યોજાઈ

ભાવનગર જિલ્લાના હણોલ ગામે આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની
ઉપસ્થિતિમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને સંબોધતાં
વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા-સફાઈ અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે એકજૂટ થવાનો
સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગામની એકતા, સ્વાવલંબન અને સર્વાંગી વિકાસની ભાવનાથી તેઓ અત્યંત
ખુશી અનુભવે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ ઉત્થાન અંગે જે વિચારધારા વ્યક્ત કરી છે, તેને હણોલ
ગામે સાચા અર્થમાં સાકાર કરી બતાવી છે, જે અન્ય ગામો માટે પ્રેરણારૂપ છે.
પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો પોતાની
આવક વધારી શકે છે અને જમીનની ફળદ્રુપતા જાળવી શકે છે. હણોલ અને આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક
ખેતીની તાલીમ મેળવી આ દિશામાં આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.
પશુપાલન ક્ષેત્રની વાત કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગાયની નસલ સુધારવા અને દૂધ ઉત્પાદન
વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. બહારના દેશો ક્રોસ બ્રિડિંગ દ્વારા દૂધ ઉત્પાદન વધારી શકે છે
તો આપણે પણ સેક્સ સોર્ટેડ સીમન જેવી સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિઓ અપનાવી શકીએ છીએ. અને તેના થકી
માત્ર રૂ. 50 જેટલા નજીવા ખર્ચે ગાય વાછરડી જ આપે છે અને પશુઓની ઓલાદ સુધારી શકાય છે તેમ તેમણે
જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ પશુપાલન અને પ્રાકૃતિક ખેતી દ્વારા પોષક આહાર પ્રાપ્ત થતાં
આપણા બાળકો તંદુરસ્ત અને મજબૂત બને તેવા પ્રયાસો કરવા એ સમયની માંગ છે.
સભાના અંતે રાજ્યપાલશ્રીએ હણોલ ગામને આત્મનિર્ભરતા, સ્વચ્છતા અને સકારાત્મક સામાજિક પરિવર્તનનું
ઉત્તમ ઉદાહરણ ગણાવી, આ મોડલને અન્ય વિસ્તારોમાં પણ પ્રચાર-પ્રસાર કરવા માટે પ્રેરણા લેવા જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ હણોલ ગામે કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાથે રાત્રી સભા
બાદ અનુસૂચિત જાતિના અગ્રણી શ્રી બાબુભાઇ સોલંકીના ઘેર જઈ તેમના પરિવારજનો સાથે બાજરાનો રોટલો, દૂધ
અને મિક્સ સબ્જીનું દેશી ભોજન ગ્રહણ કર્યું હતું. તેમજ પરિવારજનો સાથે વડીલ સહજ સંવાદ કરી પરિવારના
બાળકોને વધુને વધુ ભણીને માતા પિતાનું નામ રોશન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.
આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેક્ટર ડૉ.
મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ,
ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts