નકલી ક્લાર્ક બની PSO ફોન કરી બદલીનું કહી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
હવે ગુજરાત પોલીસ ભવનનો નકલી ક્લાર્ક ઝડપાયો છે. જન્મેજયસિંહ ઝાલા દ્વારા અનેક પોલીસકર્મીઓને બદલીઓના નામે છેતરવામાં આવ્યા છે. આરોપીએ અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરાવી આપવાનો કારસો રચ્યો હતો. જેમાં પોલીસનું જ ફુલેકું ફેરવવાનાં ષડ્યંત્રનો ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી સચિવાલયના ગેટ-નં ૪ પરથી ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. ગુજરાત પોલીસમાં અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ઈચ્છા મુજબ આંતર જિલ્લા બદલી કરાવી આપવાનો દાવો કરી પોલીસનું જ ફુલેકું ફેરવનાર ભેજાબાજ એલસીબી પીઆઈ ડી. બી. વાળાના હાથમાં આવી ગયો છે. છેલ્લા બે મહિનાથી પોલીસ કર્મચારીઓનું આંતર જિલ્લા બદલીના નામે ફુલેકું ફેરવનાર ઠગનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે.
ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલીની કાર્યવાહી પોલીસ ભવન કચેરી ગાંધીનગર મુકામેથી કરવામાં આવતી હોય છે. ત્યારે બદલી કરાવવા ઈચ્છુક પોલીસ કર્મચારીઓની માહિતી મેળવીને જન્મેજયસિંહ પ્રવિણસિંહ ઝાલા(રહે. સેક્ટર-૨૬ ગાંધીનગર) સામેથી સંપર્ક કરી પોતાની ઓળખ ગાંધીનગર પોલીસ ભવનની બી બ્રાન્ચના ક્લાર્ક તરીકે આપી ઠગાઈ કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીનાં પગલે એલસીબીએ ગાંધીનગર સચિવાલય ગેટ- ૪થી પોલીસ ભવન તરફ રોડ ઉપર વોચ ગોઠવીને ઠગ જન્મેજયસિંહને ઉઠાવી લીધો હતો. જેની પ્રાથમિક પૂછતાછમાં પોતે ધોરણ-૧૨ પાસ તેમજ પોલીસ ભવનમાં નોકરી નહીં કરતો હોવાનું સામે આવ્યું હતું. જેનાં મોબાઈલમાં વોટ્સએપમાં અલગ અલગ પોલીસ કર્મચારીઓ સાથે બદલી કરાવી આપવા અંગેની ચેટ તેમજ અલગ અલગ પોલીસ કર્મચારીઓ પાસેથી રોકડ, ફોન પે, ગૂગલ પે જેવી એપ્લિકેશન માધ્યમથી બદલી કરાવવાના નામે રૂપિયા મેળવવામાં આવ્યા હોવાની પણ વિગતો તપાસમાં બહાર આવી છે.
આ અંગે એલસીબી પીઆઈ ડી. બી. વાળાએ જણાવ્યું કે, જન્મેજયસિંહ ઝાલા સેક્ટર – ૨૬, ફ્લેટ નંબર એ-૧/૨, ગ્રીન સિટીમાં રહે છે. મૂળ હિંમતનગરનાં દેજરોટા ગામનો જન્મેજયસિંહ છેલ્લા બે મહિનાથી અલગ અલગ જિલ્લાના પોલીસ મથકમાં સરકારી નંબર ઉપર પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ)ને સીધો ફોન કરીને પોતાની ઓળખ પોલીસ ભવનનાં ક્લાર્ક તરીકે આપતો હતો અને પોલીસ કર્મચારીની બદલી કરાવી આપવાનો દાવો કરતો હતો. બાદમાં જે તે પોલીસ કર્મચારીનો નંબર મેળવી લઈને સામેથી ફોન કરીને બદલી કરાવી આપવાનો વિશ્વાસ સંપાદન કરી નાણાકીય ઠગાઈ કરતો હતો. પ્રાથમિક તપાસમાં કેટલાક પોલીસ કર્મચારીઓની બદલી માટેની વોટ્સએપ ચેટ તેમજ પૈસા લીધાની વિગતો મળી આવી છે. હાલમાં રિમાન્ડ મેળવવા સહિતની જરૂરી કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. રિમાન્ડ દરમિયાન તેની સાથે કોઈ સંડોવાયેલું છે કે નહીં વગેરે વિગતો બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, આ ઈસમ ભૂતકાળમાં ગાંધીનગરની જાણીતી સ્પીકિંગ ઈંગ્લિશ એકેડેમીમાં ભાગીદાર તરીકે પણ રહી ચૂક્યો હતો. જેનાં પિતાને સેક્ટર – ૧૬ ગોકુલ હોટલની પાછળ લગ્ન કંકોત્રી છાપવા માટેનું પ્રિન્ટિંગ પ્રેસ હતું. ભૂતકાળમાં જન્મેજય ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે.
Recent Comments