ભારતીય સિનેમાના સુવર્ણ યુગમાં અનેક એવા કલાકારો અને તકનીકી નિષ્ણાતો થઈ ગયા જેમણે પ્રસિદ્ધિની લાલસા રાખ્યા વગર માત્ર કામના જોરે ઇતિહાસ રચી દીધો. આવા જ એક કલામર્મજ્ઞ એટલે હરેન્દ્રકુમાર મગનલાલ ભટ્ટ, જેઓ ફિલ્મ જગતમાં ‘મોટાભાઈ’ તરીકે આદરપૂર્વક ઓળખાતા. તાજેતરમાં તેમના જીવનના એક અવિસ્મરણીય પ્રસંગની વિગતો બહાર આવી છે, જે દર્શાવે છે કે કેવી રીતે તેમણે ‘મુગલે આઝમ’ જેવી ભવ્ય ફિલ્મ માટે પડકારજનક શૂટિંગ સફળ બનાવ્યું હતું.
કેમેરામેન પણ જ્યારે હારી ગયા…
દિગ્દર્શક કે. આસિફ જ્યારે ‘મુગલે આઝમ’ના સુપ્રસિદ્ધ ગીત **”જબ પ્યાર કિયા તો ડરના ક્યા”**નું ‘શીશ મહલ’માં શૂટિંગ કરવા માંગતા હતા, ત્યારે સૌથી મોટો પડકાર અરીસાઓનો હતો. અનેક નિષ્ણાત કેમેરામેનોએ હાથ ઊંચા કરી દીધા હતા, કારણ કે અરીસામાં કેમેરાનું પ્રતિબિંબ દેખાઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. તે સમયે ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ફોટોગ્રાફર્સ ડાહ્યાભાઈ પટેલ અને બાબુભાઈ મિસ્ત્રીએ પણ એક જ નામ સૂચવ્યું હતું – ‘મોટાભાઈ’.
જ્યારે કે. આસિફ વિલેપાર્લા સ્થિત મોટાભાઈના નિવાસસ્થાને ગયા, ત્યારે મોટાભાઈએ કોઈ આધુનિક ટેકનોલોજીને બદલે ઘરના અરીસા અને કાળા કપડાં સાથે પ્રયોગ કરીને માત્ર એક કલાકમાં જ શૂટિંગ માટેની તૈયારી બતાવી હતી. તેમની આત્મશ્રદ્ધા એટલી પ્રબળ હતી કે શૂટિંગ પર જતા પહેલા તેમણે પત્ની લતાબેનને સામાન બાંધી રાખવા કહ્યું હતું, કે જો આજે આ કામ નહીં થાય તો આપણે મુંબઈ છોડીને વતન (કુંડલા) પાછા જતા રહીશું.
આ ગીતના શૂટિંગ માટે મોટાભાઈએ આખા મુંબઈની તમામ ‘પેટ્રોમેક્ષ’ ભેગી કરાવી હતી. લાઈટિંગની એવી અદભૂત ગોઠવણ કરવામાં આવી કે શીશ મહલના હજારો અરીસામાં મધુબાલાનું પ્રતિબિંબ તો દેખાયું, પણ ક્યાંય કેમેરો ન ઝીલાયો. આ માત્ર ટેકનિકલ કરામત નહોતી, પણ એક કલાકારનું સમર્પણ હતું.
નામ નહીં, કામની ખેવના
”કલામર્મજ્ઞને કામ કરવાની ખેવના જ હોય, નામ કરવાની ખેવના ન હોય” – આ ઉક્તિ મોટાભાઈના જીવનનો મંત્ર હતી. તેઓ કામને પ્રાધાન્ય આપતા અને પ્રસિદ્ધિને ગૌણ માનતા. આજે જ્યારે ‘મુગલે આઝમ’ના એ ગીતની ભવ્યતા વિશે વાત થાય છે, ત્યારે પડદા પાછળના આ ગુજરાતી કલાકારનું પ્રદાન હંમેશા અમર રહેશે.


















Recent Comments