ગાંધીનગરના રાયસણમાં કારમાંથી વિદેશી દારૃ અને બિયરના જથ્થાની ધરપકડ કરવામાં આવી
ગાંધીનગર નજીક રાયસણ ગામમાં હાથીપરા વિસ્તારમાં એક કારમાં વિદેશી દારૃ અને બિયરનો જથ્થો હોવાની બાતમી ઇન્ફોસિટી પોલીસ ટીમને મળી હતી. જેના પગલે પોલીસે ત્યાં પહોંચીને કારની તપાસ કરતા અંદરથી ૨૫૭ બોટલ દારૃ અને ૪૦ બિયરના ટીન મળી આવ્યા હતા. ૩.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી. રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે
ત્યારે પોલીસ પણ આવા દારૃને પકડવા માટે દોડી રહી છે આ સ્થિતિમાં ઇન્ફોસિટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, રાયસણ ગામમાં આવેલા હાથીપરા વિસ્તારમાં એક કવર ઢાંકેલી કારમાં વિદેશી દારૃ સંતાડવામાં આવ્યો છે. જેથી પોલીસની ટીમ બાતમી મુજબ હાથીપરા વિસ્તારમાં પહોંચી ગઇ હતી. જ્યારે કવર ઢાંકેલી કાર પાસે જતા શંકાસ્પદ લાગતા આસપાસમાંથી માલિકની પૂછપરછ કરી હતી. જેમાં કવર હટાવતા અંદર ખાખી પૂંઠા જાેવા મળતા હતા.જેથી કારને પોલીસ મથકમાં લઇ જવામાં આવી હતી અને અંદર રહેલા પૂંઠા બહાર કાઢી જાેતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૃની ૨૫૭ બોટલ દારૃ અને બિયરના ૪૦ ટીન મળી કુલ ૧,૫૪,૦૧૯નો દારૃ મળી આવ્યો હતો. કારમાંથી દારૃ મળી આવતા તેના માલિકની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઇ સામે આવ્યુ ન હતુ. જેથી પોલીસે નંબર વિનાની કાર અને દારૃ સહિત ૩,૫૪,૦૧૯નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Recent Comments