ગુજરાત

નવસારી-મરોલી રોડ પર બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર, પિતા-પુત્રનું બ્રિજ પરથી નીચે પટકાતા મોત

નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને કારચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, કારચાલક હરીશ નવીન મિસ્ત્રી કાર લઈને મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો. જ્યારે બાઈક પર સવાર અમૃત મિસ્ત્રી (પિતા) અને હિરેન અમૃત મિસ્ત્રી (પુત્ર) નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા. આ દમિયાન કારચાલક હરીશ મિસ્ત્રી પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો અને મોબાઈલ પર વાત કરી રહ્યો હોવાથી તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ કાર સામેથી આવતી બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર બ્રિજની દીવાલ સાથે અથડાઈ હતી.આ ભયાનક અકસ્માતમાં પિતા અમૃત મિસ્ત્રીનું બ્રિજ પર જ અવસાન થયું હતું. જ્યારે પુત્ર હિરેન મિસ્ત્રી ટક્કર બાદ બ્રિજ પરથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓને કારણે તેનું પણ મોત નિપજ્યું હતું. બંને મૃતક અને કારચાલક ત્રણેય મરોલીના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતમાં કારચાલક હરીશ નવીન મિસ્ત્રીને સામાન્ય ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ મરોલી પોલીસે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts