દેશના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે.
સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તા.૧૦ થી તા.૧૨ ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય, નગરપાલિકા અને તાલુકા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓને દિશાનિર્દેશો આપવા અને તેમના દ્વારા કરવામાં આવી હોય તે કામગીરીની સમીક્ષાના હેતુથી જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરશ્રીએ કહ્યુ કે, આગામી સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે જેમ ‘હર ઘર તિરંગા’ અભિયાન તાલુકા-નગરપાલિકા અને જિલ્લા કક્ષાએ યોજવા માટેની કામગીરીની વિગતો મેળવી હતી. આ વર્ષે હર ઘર તિરંગાની સાથે હર ઘર સ્વચ્છતાની થીમ પણ રહેશે, સ્વત્છતા અભિયાનને લગતી જનજાગૃત્તિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
તમામ તાલુકા મથકે અને શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ તિરંગા યાત્રા યોજાવાની હોય પદાધિકારીશ્રી, હોદ્દેદારશ્રીઓ અને અધિકારીશ્રીઓ સંકલનમાં રહી તિરંગા યાત્રાનું આયોજન કરશે. શહેરી વિસ્તારોમાં દિવાલો પર ચિત્રકામ કરવાની કામગીરી પૂર્ણ કરવા અને તેને લગતી અન્ય સૂચનાઓને અનુસરવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ.
તેમણે ઉમેર્યુ કે, સંભવત: તા.૧૨ ઓગસ્ટે અમરેલી ખાતે એક તિરંગા બાઇક રેલી યોજાશે, આગામી સમયમાં તે અંગે વિગતો જાહેર થશે.
તિરંગા યાત્રામાં પદાધિકારીશ્રીઓ સાથે જિલ્લાની મુખ્ય મથકની તમામ કચેરીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, ઘોડેસવારો, હોમગાર્ડ જવાનો, ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, આશા અને આંગણવાડી કર્મયોગીશ્રીઓ, યોગકર્મીશ્રીઓ, વેપારીઓ, સામાજિક સંસ્થાઓ સહિત નગરજનો પણ જોડાશે.
તિરંગા યાત્રાના રુટ પર સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમમાં હર્ષભેર જોડાવા માટે જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
નિવાસી અધિક કલેકટરશ્રી દિલિપસિંહ ગોહિલે કાર્યક્રમો સંબંધે જરુરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન તિરંગા સેલ્ફી, તિરંગા યાત્રા, શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર, રંગોળીઅને ક્વીઝ સ્પર્ધાઓ યોજાશે, આ અંગે જરુરી સૂચનાઓ અનુસરવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ.
આ બેઠકમાં, નિવાસી અધિક કલેકટરશ્રી દિલિપસિંહ ગોહિલ, અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકિયા સહિતના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારીશ્રી અને તાલુકાના સંબંધિત અધિકારીશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.


















Recent Comments