ભાવનગર

શિહોરના આંબલા ખાતે માતૃભાષા મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે
શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા માતૃભાષાના મહિમા વિષય પર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓને
સંવાદસભર અને પ્રેરણાદાયી માર્ગદર્શન મળ્યું હતું.
ગોહિલવાડની વિરાસત સમાન ગણાતી આ શાળામાં ભાષા, સાહિત્ય અને કેળવણી સંબંધિત સુંદર પ્રસ્તુતિઓ
રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગૌરાંગભાઈ વોરાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં
માતૃભાષા પ્રત્યે સજાગ રહેવાની ભાવનાને ઉજાગર કરી આયોજન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
સંસ્થાના નિયામકશ્રી મેહુલભાઈ ભટ્ટએ શાબ્દિક સ્વાગત કરી માતૃભાષા સમજવાનો આ ઉપક્રમ અત્યંત
મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. ભરતભાઈ વાઘેલાએ રસાળ શૈલીમાં કાર્યક્રમનું સંચાલન કરી તથા વિશ્વ માતૃભાષા
દિવસના પ્રારંભ અને તેની મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી.
કાર્યક્ર્મના વક્તા શ્રી વિશાલભાઈ જોષીએ ‘માં મને કક્કો શિખવાડ…’ ની રજૂઆત દ્વારા માતૃભાષાને
માતૃત્વરૂપે સમજાવી તેની પવિત્રતા અને પૂજનીયતા પર પ્રકાશ પાડ્યો હતો તેમજ વક્તા શ્રી ઘનશ્યામસિંહ રાઠોડએ
વિવિધ સાહિત્યિક કૃતિઓના ઉલ્લેખ સાથે કવિતાને સમજવા કરતાં ગાવા અને માણવાની વધુ મજા હોવાનું જણાવ્યુ.
તેમણે ગુજરાતી ભાષાના કાવ્ય વૈભવને આખ્યાન ગાન અને હળવી શૈલીમાં રૂપકો દ્વારા વ્યક્ત કરી હતી.
અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાના ધ્વનિમુદ્રિત સંદેશામાં માતૃભાષાના મહાત્મ્ય સાથે રાજ્યભરમાં
યોજાયેલા કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. અકાદમી મહામાત્રશ્રી જયેન્દ્રસિંહ જાદવ દ્વારા સમગ્ર આયોજન
દરમિયાન જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. ભરતભાઈ દવેના માર્ગદર્શન હેઠળ સંસ્થાની સંગીત ટુકડી દ્વારા સુંદર
ગાન રજૂ કરવામાં આવ્યું હતું. અંતે કાર્યક્રમના સંયોજક ભારતીબેન વોરાએ આભારવિધિ અર્પણ કરી સૌના સહયોગને
બિરદાવ્યો હતો.

Related Posts