ભાવનગર

તળાજા આઈ.ટી.આઈ ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત યોજાયો વિશેષ કાર્યક્રમ

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા ઈન્ટિગ્રેટેડ
કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ગવર્મેન્ટ આઈ.ટી.આઈ. કોલેજ, તળાજા ખાતે ખાતે આત્મનિર્ભર ભારત
અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો. તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનાં અધ્યક્ષપદે તળાજા તાલુકા
પંચાયતના સભ્ય લલ્લુભાઈ લાધવા. આઈ એમ સી, આઈ ટી આઈ તળાજાના ચેરમેન જીગ્નેશભાઈ સવાણી,
સીએસપીસી ટાટાના દશરથભાઈ બારૈયા, મોડેલ સ્કૂલ તળાજાના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ તેમજ તળાજા
આઈ.ટી.આઈ ના આચાર્ય જયકુમાર દવેની ઉપસ્થિતિમાં માહિતીસભર પ્રદર્શન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું.
સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જનજન સુઘી પહોંચે અને નાનામાં નાનો વ્યક્તિ પણ
સરકારની વિભિન્ન યોજનાઓનો લાભ લઈ શકે તેવા આશય સાથે તળાજામાં ભારત સરકારના માહિતી પ્રસારણ
મંત્રાલય દ્વારા પ્રદર્શન સાથેનાં વિશેષ કાર્યક્રમનું આયોજન એ ખરેખર સરાહનીય બાબત છે એવું જણાવતા તળાજા
ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે કાર્યક્રમના આયોજનને બિરદાવ્યું હતું. વધુમાં ધારાસભ્યશ્રીએ પરાવલંબી જીવનને દૂર
કરી સ્વાવલંબી જીવન જીવવું એ જ આત્મનિર્ભરતાનું લક્ષણ હોવાનું જણાવી વિકસિત ભારતનો મુખ્ય આધાર સ્તંભ
એ આત્મનિર્ભર ભારત જ હોવાનું જણાવ્યું હતું. સ્વદેશી અપનાવવાના મંત્ર સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં
આગળ આવવા યુવાનોને અપીલ કરી હતી.
કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે
વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરતી કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું
પાડતું પ્રદર્શન તેમજ વિભિન્ન સ્પર્ધાઓ, વક્તવ્ય અને સંવાદ દ્વારા આ એક બહુ આયામી વિશેષ કાર્યક્રમનું આયોજન
કરાયું છે. આ વિશેષ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવાની સાથે ભારત સરકાર દ્વારા ચાલી રહેલ
વિભિન્ન અભિયાનો તેમજ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રાષ્ટ્રીય અભિયાનોમાં
જનભાગીદારી વધારવાનો છે.
મહેમાનોના સ્વાગત સાથે આઈટીઆઈ તળાજાના આચાર્ય જયકુમાર દવે એ આત્મનિર્ભર ભારત અંતર્ગત
સ્કિલ ઈન્ડિયા હેઠળ યુવાનોના કૌશલ્યવર્ધન અને રોજગાર સંબંધીત આઈટીઆઈમાં થતી વિભિન્ન પ્રવૃત્તિઓ વિશે વાત
કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર સામેલ થયા હતા અને સંવાદમાં ભાગ લઈ આત્મનિર્ભર
ભારતના નિર્માણ માટેના યુવા વિચારો પ્રસ્તુત કર્યા હતા. સાથે જ આત્મનિર્ભર ભારતના નિર્માણ થકી વિકસિત
ભારતનું નિર્માણ કરવા સંકલ્પબધ્ધ થયા હતા. કાર્યક્રમના ભાગરૂપે આયોજીત ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને
પ્રશ્નોત્તરી સ્પર્ધામાં યુવાનોએ રસપૂર્વક ભાગ લીધો હતો. જેના વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા ઇનામ આપી
પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે આઈટીઆઈ તળાજાના આચાર્ય સહિત તમામ
કર્મચારીગણે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી ઉમદા કામગીરી નિભાવી હતી.

Related Posts