મહેનત તણી મહેકથી
આંગણું આજે મહેકી ગયું,
સફળતાના શિખરે ‘મોદીસ્કૂલ’નું
નામ ચમકી ગયું.
ગુરુના માર્ગદર્શનથી મળી છે
આ નવી ઉડાન,
આરબના વિજયથી
સાવરકુંડલાનું વધ્યું છે માન.
–“પાંધી સર”
નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલ, સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાના જોરે શાળાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં યોજાયેલ ‘નેશનલ સ્ટેમ્પ ક્વિઝ’ સ્પર્ધામાં શાળાના ધોરણ-૧૦ના તેજસ્વી વિદ્યાર્થી આરબ કામિલે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
વિદ્યાર્થીની આ સફળતા પાછળ શાળાના વિજ્ઞાન શિક્ષકો નિતિનભાઈ સાવજ અને હરેશભાઈ ગુજરાતીની રાત-દિવસની મહેનત અને સચોટ માર્ગદર્શન મુખ્ય સ્ત્રોત રહ્યા છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ક્વિઝ માટે સજ્જ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે તા. ૨૬ મી માર્ચ ૨૦૨૬ના રોજ યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આરબ કામિલે ભાગ લીધો હતો અને તેને પ્રોત્સાહન રૂપે વિજ્ઞાન પ્રયોગ કીટ એનાયત કરવામાં આવી હતી.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જીતુભાઈ ભટ્ટે વિદ્યાર્થી અને માર્ગદર્શક શિક્ષકોની ટીમવર્કની પ્રશંસા કરી હતી. નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ સફળતાથી શાળાના અન્ય વિદ્યાર્થીઓમાં પણ સ્પર્ધાત્મક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
















Recent Comments