રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૫માં લેવામાં આવેલ સી.ઈ.ટી પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી કેળવાઇ અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, વિજ્ઞાનના સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજે તેવા ઉમદા હેતુથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાયન્સ સિટીની નિ:શુલ્ક શૈક્ષણિક મુલાકાતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત પ્રથમ તબક્કામાં અમરેલી, લાઠી, લીલીયા, બાબરા, બગસરા, કુંકાવાવ તાલુકાના કુલ ૩૫૦ વિદ્યાર્થીઓએ સાયન્સ સિટી અમદાવાદ ખાતે મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ સાયન્સ સિટી ખાતે એક્વાટિક ગેલેરી, એસ્ટ્રોનોમી ગેલેરી, સૌર મંડળ, નેચર પાર્ક, રોબોટિક ગેલેરી વગેરેની મુલાકાત વેળાએ વિજ્ઞાનને નજીકથી જાણવાનો અનુભવ મેળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના કુલ ૧૦૮૪ વિદ્યાર્થીઓ સી.ઈ.ટી પરીક્ષામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તરીકે પસંદગી પામ્યા છે. વિદ્યાર્થીઓની સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત માટે બી.આર.સી કો-ઓર્ડિનેટરશ્રીએ તાલુકા નોડલ અધિકારી તરીકેની સંચાલનની જવાબદારી નિભાવી હતી. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અમરેલીએ જિલ્લા નોડલ તરીકેનું સમગ્ર સંચાલન તેમજ સંકલન કર્યું હતું તેમ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments