વતનથી દૂર છે પણ દિલ વતનની પાસ રાખે છે,
દીકરીઓના સ્મિતમાં એ
ખુદનો શ્વાસ રાખે છે.
કરે છે ઉજવણી એ
સ્નેહના મિષ્ઠાન્ન પીરસીને,
જન્મદિને દીકરીઓને એ
બહુ ખાસ રાખે છે.
–“પાંધી સર”
વતન પ્રત્યેની લાગણી અને દીકરીઓ પ્રત્યેનો આદર જ્યારે ભેગા થાય ત્યારે તેની ઉજવણી કંઈક અનોખી જ બની જતી હોય છે. સાવરકુંડલાના લીખાળા ગામના વતની અને હાલ અમેરિકા સ્થિત અતુલભાઈ રણછોડભાઈ રાદડિયા અને તેમના ધર્મપત્ની દક્ષાબેન દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી સાવરકુંડલાની સરકારી કન્યાશાળા નંબર-૨માં ભવ્ય રીતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાની બાલવાટિકાથી ધોરણ ૮ સુધીની ૪૦૦ દીકરીઓને શ્રીખંડ, પૂરી, શાક, અને ચોલે ચણા સહિતનું મિષ્ઠ ભોજન પીરસવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત ગૌસેવક જયેશભાઈ માટલીયાના સહયોગથી આ સમગ્ર આયોજન સંપન્ન થયું હતું. માત્ર ભોજન જ નહીં, પરંતુ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
કાર્યક્રમમાં સુરક્ષા અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સી.એચ. કુંગસિયા દ્વારા દીકરીઓને ‘ગુડ ટચ અને બેડ ટચ’ વિશે સમજ આપી સુરક્ષિત રહેવાના પાઠ ભણાવ્યા હતા. નારી અદાલતના કોર્ડિનેટર હેતલબેન જોષીએ મહિલા ન્યાય અને હકો વિશે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે તાલુકા શિક્ષણ અધિકારી જે.કે. સરવૈયાએ સરકારી યોજનાઓ અને કન્યા સાક્ષરતા વિશે જાગૃતિ ફેલાવી હતી.
આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ ગુરુકુળના અક્ષરમુક્ત સ્વામી, ડો. પ્રકાશ કટારીયા, યશોધરાબેન પંડ્યા, ઉષાબેન તેરૈયા, દક્ષાબેન ચોટલીયા, પ્રતાપભાઈ ખુમાણ, રાજુભાઈ બોરીસાગર, રવિયા સાહેબ, અતુલભાઈ જાની, વિપુલભાઈ દુધાત, અમિતગીરી ગોસ્વામી હિતેષભાઈ પરમાર અને શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડ શાળા પરિવાર સહિત સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમાં રહીને પણ પોતાના વતનની દીકરીઓની ચિંતા કરતા રાદડિયા પરિવારની આ પહેલને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.











Recent Comments