અમરેલી

અનોખી શ્રદ્ધાંજલિ: સાવરકુંડલાના લોહાણા પરિવારે કુરિવાજો ત્યાગી અબોલ જીવો માટે શરૂ કર્યો ‘સેવાયજ્ઞ’

આડંબર ત્યાગીને ખુદને 

પવિત્ર કરી ગયા,

કીડીને કણ દઈને જગમાં 

અમર થઈ ગયા.

​બોટલ મહીં ભરીને હેતનાં                 

 નવરત્ન કણ,

અબોલ જીવોના આશિષે 

મોક્ષ પદ વરી ગયા.

–“પાંધી સર”

આજના આધુનિક યુગમાં જ્યાં સામાજિક પ્રતિષ્ઠા પાછળ ખોટા ખર્ચ અને આડંબરોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સાવરકુંડલાના એક પ્રતિષ્ઠિત લોહાણા પરિવારે પરંપરાગત કુરિવાજોને તિલાંજલિ આપીને માનવતા અને જીવદયાનો નવો રાહ ચીંધ્યો છે. પરિવારના સદગત આત્માની સ્મૃતિમાં શુદ્ધ ઘીમાં તૈયાર કરેલા ‘નવરત્ન કણ’ દ્વારા અબોલ જીવોની સેવા કરી એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે.

​પ્લાસ્ટિક વેસ્ટનો સદુપયોગ અને પર્યાવરણ જાળવણી

આ સેવાયજ્ઞની ખાસિયત એ છે કે પરિવારે પર્યાવરણની રક્ષા કાજે વેસ્ટેજ પાણીની ૮૫૬ ખાલી પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ કર્યો હતો. આ બોટલોમાં શુદ્ધ ઘીમાં શેકેલા ઘઉં, બાજરો, ચણાનો લોટ, રવો, સીંગદાણા, તલ અને સાકર જેવી પૌષ્ટિક સામગ્રીનું મિશ્રણ ભરીને કુદરતી સ્થળોએ મૂકવામાં આવ્યું હતું. આ વ્યવસ્થાને કારણે કીડી જેવા કરોડો સૂક્ષ્મ જીવોને લાંબા સમય સુધી સુરક્ષિત આહાર મળી રહેશે.

સામાન્ય રીતે મૃત્યુ બાદ જ્ઞાતિ ભોજન કે અન્ય આડંબરોમાં મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ આ પરિવારે તે રકમનો ઉપયોગ ‘જીવદયા’ માટે કરીને ‘કીડીને કણ અને હાથીને મણ’ની ઉક્તિને સાર્થક કરી છે. પરિવારના સભ્યોના મતે, સદગતના આત્માને સાચી શાંતિ અબોલ જીવોની તૃપ્તિથી જ મળે છે. સાવરકુંડલા પંથકમાં આ અનોખા કાર્યની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

Related Posts