અમરેલી

અમરેલી જિલ્લામાં આંગણવાડીમાં આવતા ભૂલકાંઓના વાલીઓના અનોખા વોટ્સ એપ ગ્રુપ

અમરેલી જિલ્લામાં લગભગ ૧,૪૫૫ જેટલી આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા એક અનોખું વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવી રહ્યું છે, જેના માધ્યમથી વાલીઓને પોતાના વ્હાલસોયા દિકરા-દીકરીના શારીરિક માનસિક વિકાસ અને આંગણવાડી કેન્દ્રમાં થતી પ્રવૃત્તિઓની અપડેટ મળી રહે છે.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓ ખેતી વગેરે કાર્યમાં જોડાયેલા હોય, ઘણી વખત આંગણવાડી કેન્દ્રમાં પોતાનું બાળક શું પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. તેનો ખ્યાલ સંજોગોવસાત લઈ શકાતો નથી. આ સ્થિતિમાં વોટ્સએપના માધ્યમથી આંગણવાડી કેન્દ્રમાં દરેક વાલીઓ પ્રવૃત્તિઓથી અવગત રહે છે.

આ સંદર્ભે પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન ભટ્ટ કહે છે કે, જિલ્લામાં અંદાજે ૧,૪૫૫ આંગણવાડી કેન્દ્રના એટલે કે, દરેક આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આ વાલીઓના વોટ્સ એપ ગ્રુપ સંચાલિત કરવામાં આવે છે. આ ૧,૪૫૫ ગ્રુપના માધ્યમથી અંદાજે ૧૬ હજારથી વધુ વાલીઓ આ પ્રકારના વોટ્સ એપ ગ્રુપમાં જોડાયેલા છે.

તેમણે કહ્યું કે,  ‘મારી વિકાસયાત્રા’ નામની નિયત નમૂનામાં દરેક આંગણવાડીના બાળકોની એક બુક આંગણવાડી કાર્યકર બહેન દ્વારા ભરવામાં આવે છે. જેમાં બાળકના શારીરિક – માનસિક વિકાસની વિગતો ભરવામાં આવે છે. આ બુકને પણ વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે. આ સાથે રાજ્યકક્ષાએથી નિર્ધારિત થયેલા કેલેન્ડર મુજબની પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ પણ વાલીઓના વોટ્સ એપ ગ્રુપમાં મૂકવામાં આવે છે.

તેઓ કહે છે કે, બાળક સંજોગોવસાત કોઈ દિવસ આંગણવાડી કેન્દ્ર આવી શક્યો નથી, ત્યારે બાળકના વાલીને ખ્યાલ આવે છે કે, આંગણવાડી કેન્દ્રમાં કઈ પ્રવૃત્તિ કરવામાં આવી છે. જે પ્રવૃત્તિ બાળકને ઘરે પણ કરાવી શકે. ઉપરાંત બાળકના પોષણનો પણ એટલો જ આંગણવાડી કેન્દ્રમાં ખ્યાલ રાખવામાં આવે છે. આમ, બાળકનું સમયાંતરે વજન અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓની વિગતોથી પણ વાલીઓને વોટ્સએપ ગ્રુપના દ્વારા અવગત રાખવામાં આવે છે. આમ, વોટ્સએપ ગ્રુપના માધ્યમથી વાલીઓ આંગણવાડીમાં બાળકોના વિકાસ પ્રવૃત્તિઓથી અવગત રહે છે, અને પોતાના બાળક પ્રત્યે વિશેષ ધ્યાન પણ કેન્દ્રિત કરી શકે છે.

 તેમણે કહ્યું કે, બાળકોના ઘડતરમાં આઈ.સી.ડી.એસ વિભાગની પાયાની ભૂમિકા છે, જેથી ખૂબ સંવેદનશીલતા સાથે આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે જુદી જુદી રચનાત્મક – શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ત્યારે તેમાં બાળકના વાલીઓનું એન્વોલમેંટ જરૂરી છે. આમ, આંગણવાડીમાં થતી પ્રવૃત્તિઓ અને વાલીઓ વચ્ચે આ વોટ્સએપ ગ્રુપ સેતુરૂપ બન્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ટીગ્રેટેડ સાઈડ ડેવલપમેન્ટ સ્કીમ – ICDS યોજના અંતર્ગત મુખ્યત્વે ૬ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેને સિક્સ પીલર ઓફ આઈ.સી.ડી.એસ પણ કહેવામાં આવે છે. આ ૬ સેવામાં સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન, અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્ય સંબંધિ શિક્ષણ, રસીકરણ સ્વાસ્થ્ય તપાસ અને તપાસ માટે એક્સપર્ટને સુપરત કરવા- રેફરલ સેવાનો સમાવેશ થાય છે.

Related Posts