અમરેલી

શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને બોર્ડની પરીક્ષાના આયોજન માટે રાજ્યના તમામ જિલ્લામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

આગામી  તા. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી ૧૮ માર્ચ, ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષાનું સુચારું આયોજન સુનિશ્ચિત કરવા રાજ્ય સ્તરે શિક્ષણમંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે તેમજ બોર્ડના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ વિવિધ જિલ્લાઓની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી.

રાજ્ય સ્તરની બેઠક બાદ શિક્ષણમંત્રીશ્રીના માર્ગદર્શન અન્વયે જિલ્લા કક્ષાની પરીક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ પરીક્ષાના સુચારું અને નિષ્પક્ષ આયોજન માટે પોલીસ વિભાગ, એસ.ટી. વિભાગ, પીજીવીસીએલ તથા આરોગ્ય વિભાગ સહિત તમામ સંબંધિત વિભાગોને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

તેમણે ખાસ કરીને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મેટલ ડિટેક્ટર સહિતની સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી આવન-જાવનમાં કોઈ અગવડતા ન રહે તે માટે વિશેષ એસ.ટી. બસોની ફાળવણી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. સીસીટીવીની વ્યવસ્થા અને કંટ્રોલ રૂમની વ્યવસ્થાઓ અંગે તેમણે દિશાનિર્દેશ આપ્યા હતા. સ્ટ્રોંગરૂમ ખાતે બંદોબસ્ત તેમજ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને પરીક્ષા આપે તે માટે પૂરતી તૈયારીઓ ગોઠવવા માટે સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.બી. ગોહિલે જિલ્લાકક્ષાની વ્યવસ્થાઓ અને જરૂરી તૈયારીઓ અંગે માહિતી આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને પારદર્શક, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજવા માટે તમામ જરૂરી તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલિપસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોહિલ, એસ.ટી.ના વિભાગીય નિયામક શ્રી પટેલ, જિલ્લા પ્રાથમિક શિણાધિકારી શ્રી મીયાણી, પી.જી.વી.સી.એલ, આરોગ્ય, સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts