ભાવનગરના ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રતિભા દહિયાના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો
“પ્રશાસન ગાંવ કી ઔર” થીમ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે ભાવનગરના ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રતિભા દહિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો હતો.
વર્કશોપમાં ભાવનગર જિલ્લા વિઝન- ૨૦૪૭ની થીમ સાથે ભાવનગર જિલ્લાની સામાજિક આર્થિક ક્ષેત્રે સમૃદ્ધિ અને વિકસિત ભાવનગરના ધ્યેયને હાંસલ કરવા માટેની તકો અને પડકારોની ચર્ચા કરવાની સાથે સરકારી નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવા,સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક ક્ષેત્રના લોકોને મળે તેવી કામગીરી કરવા,લોકોના પ્રશ્નોનું ઝડપથી હકારાત્મક નિકાલ લાવવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.
જિલ્લા આયોજન અધિકારીશ્રીએ વિકસીત ગુજરાત @2047ના વિઝનને અનુલક્ષીને ભાવનગરના કૃષિ,બાગાયત,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતના વિભાગોના આયોજન અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ ઉપરાંત ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસિસ (Good Governance Practices) અને ઇનિશિએટિવ વિશે ઝીણવટભરી ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,સમગ્ર રાજ્યમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ.અટલ બિહારી બાજપાઈના જન્મદિનની ઉજવણી અંતર્ગત સુશાસન સપ્તાહની તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૪થી તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. વર્કશોપમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી તેમજ આરોગ્ય, શિક્ષણ સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
Recent Comments