fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના યુવાન ખેડૂતે નોકરી છોડી ૧૫ વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવી

રાજ્યને આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને દિશાનિર્દેશમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો થઈ રહ્યા છે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં અમરેલી જિલ્લો હરણફાળ ભરી રહ્યો છે. ભૌગોલિક રીતે વૈવિધ્યસભર અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં એક યુવાન ખેડૂતે પ્રાકૃતિક ખેતીનું અભિયાનનું બીડું ઝડપ્યું છે. જિલ્લાના જાફરાબાદ તાલુકાના રોહીસા ગામના ખેડૂત શ્રી પ્રવિણભાઈ બાંભણીયાએ ૩૦ વર્ષની યુવાન વયે નોકરી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ભવાની પ્રાકૃતિક ફાર્મના બેનર તળે શ્રી પ્રવીણભાઇ ઋતુ મુજબના શાકભાજી,  માંડવી, જીરુ, લસણ, બાજરી, ઘંઉ, મગ, મઠ, અડદ, હળદર અને કેળની ખેતી કરી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, ચાર વર્ષ થયેથી મેં નોકરી છોડી, પ્રાકૃતિક ખેતી અપનાવી છે.

અમારો પરિવાર સંયુક્ત પરિવાર છે. પ્રાકૃતિક ખેતીમાં મને મારા બંધુઓ શ્રી ભીમજીભાઈ અને શ્રી ભાણજીભાઈનો ખૂબ સહયોગ મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી એ ઓછાં અથવા તો એમ કહીએ કે બિનખર્ચાળ જેવી અને સારી જાતનું વધુ ઉત્પાદન-ઉપજ આપવા માટેની ચાવી છે. રાસાયિણક ખાતરના ઉપયોગથી ખેતી ખર્ચ વધી શકે પણ આ પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે સમૃધ્ધિના દ્વાર ખોલનારી છે.હાલમાં, સરેરાશ એક વીઘામાં રુ.૦૧ લાખ જેટલું ઉત્પાદન મળી રહ્યું છે. બે ગાય દ્વારા રોજ ૧૦૦-૧૦૦ લીટર જીવામૃત થઈ રહ્યું છે, તેને સ્ટોર કરવા બે ટેંકની વ્યવસ્થા છે. ડ્રીપ ઈરિગેશનથી જીવામૃત પિયત તરીકે આપવામાં આવે છે. જીવાત નિયંત્રણ માટે પંચપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર વગેરે જેવી પ્રાકૃતિક દવાઓ કારગર છે. આ પદ્ધતિ દ્વારા જમીન ફળદ્રુપ બને અને ઉત્પાદન ઘટતું નથી.પાણીના ટીપે ટીપાંનું મહત્વ સમજતા શ્રી પ્રવિણભાઈ બાંભણીયા દરિયાકાંઠાના ખેડૂત છે. ખેતીવાડી વિભાગની આશરે રુ.૨૪,૦૦૦ની સબસીડી તેમણે ગયા વર્ષે મેળવી. આ સબસીડીનો યોગ્ય ઉપયોગ કરી, કૂવો રિચાર્જ કર્યો, પાણીનું સંવર્ધન અને જતન કર્યુ છે.

ખેતીમાં પ્રયોગાત્મક અને નવા પાક અપનાવવાના પ્રવાહને પણ શ્રી પ્રવીણભાઇએ અપનાવી લીધો. કપાસ, મગફળી જેવા મુખ્ય પાક થાય તે જગ્યાએ તેમણે આ વર્ષથી કેળના બગીચા માટે સાહસ ખેડ્યું. કેળ રોપવા માટે રાજય સરકારના બાગાયત વિભાગની અંદાજે રુ.૩૫,૦૦૦ની સહાય મેળવી.રોહીસાનું આ ભવાની પ્રાકૃતિક ફાર્મ એ અનેક ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ તરીકે પ્રેરણાધામ બન્યું છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાઠ શીખવા મળી શકે તેમ છે.આત્મા પ્રોજેક્ટના માધ્યમથી મળતી રુ.૧૩,૫૦૦ની સહાય થકી મોડેલફાર્મ તૈયાર કરવામાં પણ શ્રી પ્રવીણભાઇને સરળતા રહી છે.ટેકનોલોજીનું મહત્વ સમજતા આ યુવાન ખેડૂતે પોતાની યુ ટ્યૂબ ચેનલ અને વ્લોગીંગ પણ શરુ કર્યુ છે. પ્રાકૃતિક ખેતીનો પણ મહતમ પ્રચાર-પ્રસાર કરવા તે અદ્યતન ટેકનોલોજીનો બખૂબી ઉપયોગ કરી રહ્યા છે.પ્રાકૃતિક ખેતીની સાથે પંચમહાભૂત આધારિત ખેતીની પદ્ધતિ દ્વારા ખેતી કરવી, નક્ષત્ર આધારિત વાવણી પરંપરાગત ખેતીનો પુનઃ પ્રારંભ કરવાની નેમ ધરાવે છે તેવા શ્રી પ્રવિણભાઈ બાંભણીયા, નક્ષત્ર આધારિત વાવણી પદ્ધતિ દ્વારા પાકને કુદરતના સિધ્ધાંતો મુજબ વાવવાની તૈયારીના મંડાણ કરી ચૂક્યા છે. તેઓ જણાવે છે કે, નક્ષત્ર આધારિત વાવણીને લીધે પાકમાં જીવાત થવાની શક્યતા ઘટે છે. મેં પ્રથમ પ્રયોગ કર્યો તેમાં મને સફળતા મળી છે આ સાથે પંચમહાભૂતના તત્વો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ આધારિત દવા, પાણી, ખાતર આપી અને ખેતી કરવામાં આવે છે જે કુદરતના સિદ્ધાંતોને અનુરુપ છે.અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અભિયાનમાં અનેક ખેડૂતો જોડાઈ રહ્યા છે, પ્રાકૃતિક ખેતી અપનાવી અને તેમાં સફળતા મેળવનારા ખેડૂતોની કડીમાં દિનપ્રતિદિન ઉમેરો થઇ રહ્યો છે. 

Follow Me:

Related Posts