સાવરકુંડલા તાલુકાના વિકાસના મંત્રને સાર્થક કરતા આજે મોટા ભમોદરા ગામે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગામના પ્રગતિના પંથે વધુ એક કદમ આગળ વધતા, અંદાજે રૂપિયા ૮૦ લાખના માતબર ખર્ચે તૈયાર થનાર ‘સુવિધા પથ’ રોડનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક સુવિધાપથનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ તકે ગામના અગ્રણીઓ, પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
રૂપિયા ૮૦ લાખના ખર્ચે આ રોડનું નિર્માણ થશે.આ માર્ગ માત્ર રસ્તો જ નહીં પરંતુ ગ્રામજનો માટે ‘સુવિધા પથ’ બની રહેશે, જે ટકાઉ અને મજબૂત હશે. આ માર્ગ બનવાથી ગામમાં વાહનોની અવરજવર સરળ બનશે અને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો અંત આવશે.
ગ્રામજનોને મળનાર લાભ
આ વિકાસકામ વિશે વાત કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “ગામડાઓના વિકાસથી જ રાષ્ટ્રનો વિકાસ શક્ય છે. મોટા ભમોદરા ગામના નાગરિકોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને પાકા માર્ગની સુવિધા મળે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સુવિધા પથથી ખેડૂતો અને વિદ્યાર્થીઓ સહિત તમામ વર્ગના લોકોનું આવાગમન સુગમ બનશે.”
આ સુવિધા પથના નિર્માણથી ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ વિકાસલક્ષી અભિગમ બદલ ધારાસભ્યશ્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
















Recent Comments