ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા જગતમંદિરમાં આજે દર્શનાર્થીઓની અતિશય ભીડને કારણે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વેકેશનને કારણે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે લગાવવામાં આવેલો એક હંગામી ગેટ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદ્ભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી.મળતી માહિતી મુજબ, દ્વારકાધીશ મંદિરમાં તહેવાર ટાણે લોકોને રજા હોવાથી ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે પહોંચી હતી. એવામાં શુક્રવારે (24 ઑક્ટોબર) મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. મંદિર તરફ આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા એટલી વધી ગઈ હતી કે હંગામી ધોરણે વ્યવસ્થા જાળવવા માટે ઊભો કરવામાં આવેલો ગેટ નંબર 2 ભીડનું દબાણ સહન ન કરી શકતા અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનાને કારણે દર્શનાર્થીઓમાં ગભરાટ ફેલાયો અને ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ગેટ તૂટવાની ઘટનામાં સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં જ મંદિરના સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમણે ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ભીડને નિયંત્રિત કરીને દર્શન વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.
દ્વારકામાં ભારે ભીડ વચ્ચે દુર્ઘટના: હંગામી ધોરણે બનાવાયેલો ગેટ તૂટી પડ્યો, સદનસીબે જાનહાનિ ટળી



















Recent Comments