ગુજરાત

21 વર્ષથી ફરાર રાયોટીંગ કેસનો આરોપી અંતે ચડ્યો પોલીસના હાથે

અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે લાંબા સમયથી ફરાર ચાલી રહેલા એક આરોપીને પકડીને મોટી સફળતા મેળવી છે. પોલીસે રાયોટીંગના ગુનામાં 21 વર્ષથી ફરાર આરોપી મહેશ લક્ષ્મણ વસાવાની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાએ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને પોલીસ સ્ટેશન વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી. આ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને ગુપ્ત માહિતી મળી હતી કે રાયોટીંગના ગુનાનો ફરાર આરોપી મહેશ લક્ષ્મણ વસાવા, રહેવાસી ભાંગવાડ, અંકલેશ્વર, પોતાના ઘરે હાજર છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો અને આરોપી મહેશ વસાવાને કાબૂમાં લીધો. તપાસમાં સામે આવ્યું કે આરોપી છેલ્લા 21 વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખીને ફરાર હતો. પોલીસના જણાવ્યા મુજબ, તે રાયોટીંગના એક ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો અને ત્યારથી ગુનાની તપાસ દરમિયાન ગાયબ થઈ ગયો હતો.

પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી છે કે નહીં તે અંગેની વધુ તપાસ ચાલુ છે.
અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસની આ સફળતા બાદ અન્ય ફરાર આરોપીઓમાં પણ હલચલ મચી ગઈ છે.

Related Posts