ગુજરાત

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ‘ACRSICON 2025’નો પ્રારંભ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ધ એસોસિએશન ઓફ કોલોન & રેક્ટલ સર્જન્સ ઓફ ઈન્ડિયાની 48મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. આજે દુનિયા ટેક્નોલોજી સાથે કદમ મેળવી ચાલી રહી છે ત્યારે આપણે પણ વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે તેવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તબીબો દ્વારા કરાયેલ અવિરત સંશોધન અને કામગીરીની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તબીબો સતત અભ્યાસ કરતા રહેતા હોય છે અને દર્દીઓ સાથે ઘરોબો કેળવી તેમની સારસંભાળ રાખતા હોય છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આરોગ્ય અને શિક્ષણ આ બંને સેવાના માધ્યમો છે. આરોગ્ય ક્ષેત્રે થયેલી કામગીરીનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કાર્ય કરી રહી છે. આ ઉપરાંત મેડિકલ અભ્યાસ કરતા વિધાર્થીઓના ભવિષ્ય માટે સરકાર કાર્યરત છે. 7000 જેટલી MBBSની સીટ અને 3000 જેટલી PG વિધાર્થીઓની સીટ છે તેવું મંત્રીશ્રીએ કહ્યું હતું.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશ સ્વદેશીની ભાવના સાથે આગળ વધી રહ્યો છે.

આજથી શરૂ થયેલી ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી વિવિધ તબીબો ભાગ લેશે. આ કોન્ફરન્સમાં આરોગ્ય વિષયક વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા સેશન અને વર્કશોપ યોજાશે. વધુમાં ડોક્ટરો સાથે વિવિધ વિષયો પર સંવાદ યોજાશે. સાથે સાથે વિવિધ સર્જરીઓ, રોબોટિક સર્જરી, લેસર પદ્ધતિ અને લેપ્રોસ્કોપી પદ્ધતિ વિશે પણ સંવાદ યોજી માર્ગદર્શન આપવામાં આવશે.

આ પ્રસંગે ચેરમેન શ્રી ડો.પ્રીતેશ પટેલ, સેક્રેટરી શ્રી ડો.સાજીદ કાઝી, ખજાનચી શ્રી ડો.બિજલ કડિયા, શ્રી ડો.પરવેઝ શેખ, શ્રી ડો.પંકજ મોદી સહિતના સભ્યો અને મોટી સંખ્યામાં તબીબો તથા મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts