રાષ્ટ્રીય

જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ ‘ગેરંટી’, કહ્યું- ભારત જ સાચો મિત્ર

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થયા પછી પહેલીવાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે આવ્યા છે. શુક્રવારે (10મી ઑક્ટોબરે) તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રતા હંમેશા રહેશે.’દિલ્હીમાં ગૃહમંત્રી એસ. જયશંકર સાથેની વાતચીત દરમિયાન, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ સુરક્ષા સંબંધિત એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ઈસ્લામિક અમીરાત કોઈપણ શક્તિને અન્ય દેશો સામે અફઘાન ભૂમિનો ઉપયોગ કરવાની કે ધમકી આપવાની મંજૂરી આપશે નહીં.’ભારતની પ્રશંસા કરતા અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, ‘અફઘાનિસ્તાન પરસ્પર આદર, વેપાર અને લોકો વચ્ચેના સંબંધો પર આધારિત સંબંધ ઇચ્છે છે. અમે ક્યારેય ભારત સામે નિવેદન આપ્યું નથી’

હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મુત્તાકીએ સંબંધોના ઇતિહાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ‘અફઘાનિસ્તાન ક્યારેય કોઈને પણ પોતાના પ્રદેશનો ઉપયોગ બીજાઓ સામે કરવા દેશે નહીં. અફઘાનિસ્તાનમાં અમેરિકાના કબજા દરમિયાન ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા. ત્યારે પણ અમે ક્યારેય ભારત સામે કોઈ નિવેદન આપ્યું નહીં. તેના બદલે અમે હંમેશા ભારત સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો.’વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારતને એક સાચા મિત્ર તરીકે ઓળખાવતાં કહ્યું કે, ‘ભારત દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનની પડખે ઊભું રહ્યું છે. જ્યારે અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે ભારત માનવતાવાદી પ્રયાસો સાથે પ્રતિક્રિયા આપનાર પ્રથમ દેશ હતો. અફઘાનિસ્તાન ભારતને એક નજીકના મિત્ર તરીકે જુએ છે.’આ ઉપરાંત દુબઈમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સાથેની મુલાકાતનો પણ ઉલ્લેખ કરતા અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, ‘દિલ્હીમાં મળેલી સફળતા બંને દેશો વચ્ચે સમજણ વધારવામાં અને સંબંધોમાં એક નવો અધ્યાય ખોલવામાં મદદ કરશે. અમારા સંબંધો ફક્ત વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેમાં વ્યવસાય, સંસ્કૃતિ, રમતગમત અને અન્ય સંબંધોનો પણ સમાવેશ થાય છે જે આપણને એક સાથે જોડે છે.’

Related Posts