ગુજરાત

લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યના 4473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત, હજુ હજારો ભરતી પડતર

રાજ્યના 4473 યુવાનો માટે આજનો દિવસ મહત્ત્વનો સાબિત થયો છે. સરકારી ભરતી પ્રક્રિયાની લાંબી રાહ જોયા બાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે શનિવારે યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યના 4,473 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ મેગા ભરતી અભિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ થતાં એકથી બે વર્ષનો સમયગાળો લાગ્યો છે.આજે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના જુદા-જુદા વિભાગોમાં વર્ગ-3ની વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવામાં આવી છે. નિમણૂક મેળવનાર ઉમેદવારો મહેસૂલ, ગૃહ, શિક્ષણ અને નાણાં વિભાગ સહિતના મહત્ત્વના વિભાગોમાં સરકારી સેવામાં જોડાશે. એક સાથે હજારો યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક મળતાં ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાતથી લઈને અંતિમ નિમણૂક સુધીનો સમયગાળો ઘણો લાંબો હોય છે. યુવાનો વર્ષોની મહેનત અને પ્રતીક્ષા બાદ સરકારી સેવામાં જોડાયા છે, જે તેમના માટે એક મોટી રાહત અને સિદ્ધિ છે. આ નિમણૂકો વર્ગ-3ના વિવિધ 15થી વધુ સંવર્ગો અને મહેસૂલ, ગૃહ, શિક્ષણ, અને ખાસ કરીને વન વિભાગ જેવા મહત્ત્વના વિભાગોમાં અપાઈ છેજુનિયર કલાર્ક, વર્ગ-3: આ પદ પર સૌથી મોટી સંખ્યામાં નિમણૂકો અપાઈ છે, જેમાં મહેસૂલ, કૃષિ અને સહકાર, શિક્ષણ, નર્મદા અને પાણી પુરવઠા, સામાજિક ન્યાય, ગૃહ, અન્ન અને નાગરિક પુરવઠા, કાયદા અને નાણાં વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં સૌથી મોટી સંખ્યામાં નિમણૂકો અપાઈ છે.

હેડ ક્લાર્ક: કૃષિ, બંદરો અને વાહન વ્યવહાર, આદિજાતિ વિકાસ અને પુરવઠા વિભાગ.

ઓફિસ આસિસ્ટન્ટ: સામાન્ય વહીવટ વિભાગ (GAD).

સબ રજિસ્ટ્રાર અને સ્ટેમ્પ નિરીક્ષક: મહેસૂલ વિભાગ હેઠળ ગ્રેડ 1/2 અને વર્ગ-3ની નિમણૂકો.

હિસાબનીશ અને પેટા હિસાબનીશ: નાણા વિભાગ હેઠળ વર્ગ-3ની મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ડેપો મેનેજર / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ.

સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ: મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ગૃહપતિ અને મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી જેવી પોસ્ટ માટે પણ નિમણૂક પત્રો અપાયા છે.

સર્વેયર: વન અને પર્યાવરણ વિભાગ.

Related Posts