ગુજરાત

દ્વારકા બાદ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા વધુ એક સ્થળની રોનક બદલાઈ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતું મિલન

જરાત તેના પવિત્ર યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે જાણીતું બન્યું છે. અંબાજી, દ્વારકા, પાવાગઢ કે બહુચરાજી દરેક તીર્થસ્થળની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે. આ જ કડીમાં, હવે પોરબંદર જિલ્લાનું ઐતિહાસિક અને પૌરાણિક માધવપુર ઘેડ આદ્યાત્મિક પ્રવાસન નકશા પર ઝળહળવા તૈયાર છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના મિલન સ્થળ તરીકે પવિત્ર ગણાતા આ યાત્રાધામના કલેવર બદલવા માટે વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવા રંગરૂપમાં સજ્જ થયેલા માધવપુર ઘેડની કેટલીક તસવીરો સામે આવી છે.

માધવપુર ઘેડનું મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના સંદર્ભમાં ખૂબ જ પૌરાણિક અને સાંસ્કૃતિક છે. આ સ્થળને માત્ર યાત્રાધામ તરીકે જ નહીં, પણ એક પવિત્ર મિલન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. અહીં શ્રી માધવરાયજીનું મંદિર આવેલું છે. માધવપુરનું સૌથી મોટું આકર્ષણ અહીં ભરાતો મેળો પણ છે. દર વર્ષે ચૈત્ર મહિનાની સુદ નોમથી તેરસ સુધી પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાય છે.થોડા સમય પહેલા અંદાજે રૂ. 48 કરોડના ખર્ચે થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ થયું હતું. જેના પરિણામે શ્રી રૂક્ષ્મણી માતા મંદિર, ચૉરી માયરાની જગ્યા, બ્રહ્મ કુંડ અને માધવરાયજી મંદિર તરફ જતાં રસ્તા પર બીચ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોને કારણે માધવપુરની રોનક સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે, અને પ્રવાસીઓ તેમજ ભક્તોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

યાત્રાધામના માસ્ટર પ્લાન હેઠળ, માધવપુર ગામમાં એકબીજાથી એક કિલોમીટરના અંતરે આવેલા તમામ મુખ્ય સ્થળોને આવરી લેવામાં આવી રહ્યા છે. બીજા તબક્કામાં રૂ. 43.72 કરોડના ખર્ચે અન્ય કેટલાક વિકાસકાર્યો પણ હાથ ધરાશે. જેમાં શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ: પૌરાણિક મંદિરનું ભવ્ય અને સુવિધાયુક્ત રીતે પુનઃનિર્માણ કરાશે.મંદિર પાસે 300 મીટર બીચ ડેવલપમેન્ટ કરાશે તેમજ પાર્કિંગ માટે વિશાળ પરિસરનો વિકાસ કરવામાં આવશે.કાચબા ઉછેર કેન્દ્રથી માધવરાયજીના મંદિર સુધીનો રસ્તો 09 મીટર પહોળો કરવામાં આવશે, જેથી યાત્રીઓ માટે અવરજવર સરળ બને.આ ઉપરાંત, આખા સંકુલમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે પાયાની અને આધુનિક સુવિધાઓ ઊભી કરાશે, જેમાં મુખ્યત્વે બીચ એરિયામાં આકર્ષક ફૂડ કિઓસ્ક અને સ્વચ્છ શૌચાલયની સુવિધા. પાર્કિંગ અને ફૂડ કોર્ટ માટેનું સંકલિત આયોજન. જુદા-જુદા પ્રકારના સ્કલ્પચર, સાઇનેજીસ, ફાઉન્ટેન અને સેલ્ફી પોઇન્ટ્સ સાથે આકર્ષક લેન્ડસ્કેપિંગનો સમાવેશ થાય છે.

કુલ રૂ. 91 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના થકી માધવપુરનો સર્વાંગી વિકાસ થશે અને દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓ માટેની સુવિધામાં અનેકગણો વધારો થશે. નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રયાસો ગુજરાતને આદ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રે વધુ સિદ્ધિઓ સર કરાવશે અને ધાર્મિક તેમજ બીચ ટુરિઝમનું નવું કેન્દ્ર બનશે.પૌરાણિક કથાઓ અને સ્થાનિક માન્યતાઓ અનુસાર, માધવપુર ઘેડ એ જગ્યા છે જ્યાં શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીને લાવ્યા હતા. વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી રૂક્ષ્મણીજીનો વિવાહ ચેદિરાજ શિશુપાલ સાથે નક્કી થયો હતો. પરંતુ રૂક્ષ્મણીજી શ્રી કૃષ્ણને જ પોતાના પતિ માનતા હતા. તેમણે ગુપ્ત સંદેશ મોકલીને શ્રી કૃષ્ણને મદદ માટે વિનંતી કરી હતી.

શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીનું તેમના મોટાભાઈ રૂક્મીની ઈચ્છા વિરુદ્ધ અપહરણ કરીને આ સ્થળે લાવ્યા હતા. માધવપુર ઘેડ ખાતે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિધિવત વિવાહ થયા હતા. આથી, આ સ્થળને તેમના પવિત્ર મિલન અને લગ્નસ્થળ તરીકેની ઓળખ મળે છે.આ વિવાહની યાદમાં અહીં શ્રી માધવરાયજીનું મંદિર આવેલું છે. ‘માધવ’ એ શ્રી કૃષ્ણનું એક નામ છે. આ મંદિર આ પૌરાણિક પ્રસંગની સાક્ષી પૂરે છે અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.માધવપુરનું સૌથી મોટું આકર્ષણ અહીં ભરાતો મેળો છે. દર વર્ષે ચૈત્ર મહિનાની સુદ નોમથી તેરસ સુધી પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાય છે. આ મેળો વાસ્તવમાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. સ્થાનિક લોકો અને ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક આદિવાસી સમુદાયો આ મેળામાં ખાસ ભાગ લે છે, જેઓ માને છે કે રૂક્ષ્મણીજીનું મૂળ આ જ વિસ્તારમાં છે.

ટૂંકમાં, માધવપુર ઘેડ એ માત્ર એક યાત્રાધામ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક ઇતિહાસમાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના પ્રેમ અને મિલનનો જીવંત સાક્ષી છે.

Related Posts